આટકોટ નજીકના મોટાદડવામાં માતા પુત્રીના આપઘાતના બનાવમાં બૅ આરોપીની ધરપકડ પૈસા પડાવવા કાવતરુ ઘડિયાની કબુલાત
મહિલાએ ઘરે આવેલ વ્યક્તિને પાણી પીવડાવતા નો વીડિયો ઉતારી ધમકી અને બ્લેકમેઇલિંગથી કંટાળી મા-દીકરીએ કૂવામાં કુદી આપઘાત કર્યો હતો
જસદણના આટકોટ નજીકના મોટા દડવા ગામે બદનામી અને બ્લેકમેઇલિંગના ડરથી માતા અને ચાર વર્ષની પુત્રીએ કૂવો પૂર્યો હતો. ઘરના બેડરૂમમાં પાણી પીવા માટે આવેલી વ્યક્તિ સાથેનો વિડીયો ગુપ્ત રીતે ઉતારી, તેને વહેતો કરવાની અને પત્ની સાથે આડા સંબંધો હોવાના ખોટા આક્ષેપ કરી બે શખ્સએ ફરિયાદીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીઓ
અને સામાજિક પ્રતિષ્ઠા હણાઈ જવાના ડરથી કંટાળી ગયેલી પરિણીતાએ પોતાની માસૂમ પત્રી સાથૅ કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈહતી.
આ મામલે આટકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનાના બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 (આપઘાતની 308(4), કલમ 108 દુષ્પ્રરણા), 238, 329(4), 351(2), 352, 54 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરી છે
આરોપી મહિલાના પતિને વીડિયો બતાવી પૈસાની માગણી કરતા
આ અંગે અરવિંદ બાબુભાઈ સાપરાએ નોંધાવેલી ફરિયાદમાં પોતે મકાનની છત ઉપર સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે નાગજી ઉર્ફે ગડો નાગરાજ પરમાર નામના શખ્સે તેનો સંપર્ક કરી તેમના વોટ્સએપ પર એક વિડીયો મોકલ્યો હતો. અરવિંદભાઈએ વિડીયો ખોલીને જોતા, તેમના જ ઘરના બેડરૂમમાં તેમની પત્ની મોહિત ચંદુ બારૈયાને બેડ ઉપર બેસીને પાણી પાતી હોય તેવું દેખાતું હતું. આ વિડીયો મોહિતે જ પોતાના મોબાઈલથી ઉતાર્યો હતો અને નાગજીએ અરવિંદને ધમકી આપી હતી કે, મોહિતને તારી પત્ની સાથે આડા સંબંધો છે, જો તું પોલીસને કે અન્ય કોઈને જાણ કરીશ તો તારા હાથ-પગ ભાંગી નાખીશું અને અમારે તારી પાસેથી પૈસા જોઈશે, નહીંતર આ વિડીયો વહેતો કરી દઈશું.
આ વીડિયો બાબતે અરવિંદે પત્ની સાથે વાત કરતાં પત્નીએ કહ્યું કે આડાસંબંધની વાત ખોટી છે. મોહિત પાણી પીવા જ આવ્યો હતો. જો કે આ બન્ને શખ્સ વારંવાર આ વીડિયો બાબતે ધમકી આપતા અને પૈસાની ઉઘરાણી કરતા હોઈ દંપતીને ચિંતા રહેતી કે હવે સમાજમાં શું મોઢું બતાવવું? આથી પત્ની ભારે તણાવ અનુભવતી હતી અને પતિ જાગે તે પહેલાં જ વહેલી સવારે તે પુત્રી દેવાંશીને લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી તેમજ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.