વિંછીયાના અમરાપુરમાં શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રીનો ઉદ્યોગકારો સાથે સંવાદ ઉદ્યોગોને જરૂરી સ્કીલ્ડ સ્ટાફ મળી રહે તે માટે નવા કોર્સ શરૂ કરવા પર ભાર મુકાયો
રાજ્યમાં વધુમાં વધુ યુવાનોને રોજગારી મળી રહે તેમજ ઉદ્યોગોને જરૂરિયાત મુજબનું તાલીમબદ્ધ માનવબળ પ્રાપ્ત થાય તે માટે ક્લસ્ટર મુજબ ભરતીમેળા યોજવા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૂચના આપી હતી.
મંત્રી અધ્યક્ષતામાં વિંછીયા તાલુકાના અમરાપુર ખાતે ઉદ્યોગકારો, આઈ.ટી.આઈ.ના સ્ટાફ તેમજ ‘કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી’ના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના વિવિધ ઉદ્યોગ એસોસિએશનો અને પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો મંત્રી કુંવરજીભાઈ એ ઉદ્યોગોની રજૂઆતોને ધ્યાને રાખીને આગામી સમયમાં ક્લસ્ટર મુજબ ભરતીમેળાઓ આયોજિત કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત અને રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના કારણે નવા ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું છે. આધુનિક ટેકનોલોજીના વ્યાપ સામે સ્થાનિક સ્તરે કુશળ કારીગરો મળી રહે તે માટે સરકાર આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બદલાતી ટેકનોલોજી મુજબ આઈ.ટી.આઈ. અને સ્કિલ યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમો પણ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જસદણના હીરા ઉદ્યોગના પ્રતિનિધિઓએ બહેનોને વધુ રોજગારી આપવા બાબતે કરેલી રજૂઆત અંગે મંત્રી બાવળીયા એ હકારાત્મક પ્રતિસાદ આપી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા આ બેઠકમાં એક મહત્વનું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગોના પરિસરમાં જ રોજગારવાંચ્છુઓને તાલીમ આપીને પ્રમાણપત્ર આપવાની યોજના સમજાવવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના સંયુક્ત નિયામક શ્રી એચ. એસ. પટેલ, નાયબ નિયામક શ્રી એન. આર. ચૌધરી, શ્રમ અધિકારી શ્રી અંકિત ચંદારાણા, વિવિધ આઈ.ટી.આઈ.ના આચાર્યો, સ્ટાફ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.