જસદણની સોલીટૅર સોસાયટીમાં યૉજાયૅલ રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રીરામેશ્વર મહાદેવ ઇલેવન બાળ ટીમ વિજૅતા
વિજેતા બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ કાગળ, કાર્ડબોર્ડમાંથી બનાવી ટ્રોફી સોસાયટીના પ્રમુખ દીપકભાઈ રવિયાના હસ્તે ટ્રોફી એનાયત
જસદણના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટીમાં રજાઓના માહોલ વચ્ચે બાળકો માટે એક અનોખી રાત્રી પ્રકાશ (નાઈટ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ સ્ક્રીન છોડીને મેદાનમાં રમે અને તેમનામાં ખેલદિલીની ભાવના કેળવાય તેવા શુભ આશય સાથે આ પ્રશંસનીય આયોજન કરાયું હતું. આ રોમાંચક ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારે રસાકસી બાદ શ્રી રામેશ્વર મહાદેવ
ઈલેવન ટીમે શાનદાર પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો અને ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું.
આ ટુર્નામેન્ટની સૌથી ખાસ અને પ્રેરણાદાયી બાબત એ રહી કે, બાળકોએ બજારમાંથી મોંઘી ટ્રોફી લાવવાને બદલે પોતાની કળા—સુઝનો ઉપયોગ કરીને જાતે જ વેસ્ટમાંથી બેસ્ટ ટ્રોફી તૈયાર કરી હતી. કાગળ અને કાર્ડબોર્ડની મદદથી સુંદર રીતે ક્રાફ્ટ કરેલી આ હોમમેડ ચેમ્પિયન્સ ટ્રોફી સોસાયટીના મંદિર પરિસર ખાતે આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.વિજેતા બનેલી રામેશ્વર મહાદેવ ઈલેવન ટીમના બાળ ખેલાડીઓને સોલીટેર સોસાયટીના પ્રમુખ દીપકભાઈ રવિયાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.