વિંછિયામાં છાસીયા ગામના યુવાન પર કારમાં ધસી આવેલા ચાર શખ્સોનો પાઇપ - ધોકાથી હુમલો ગુનો નોંધાયો
અગાઉ જેની સાથે તાર ફેન્સિંગનું કામ કરતો હતો તે કામ છોડી દેતા તેનો ખાર રાખી મોટા માત્રા ગામના શખ્સોએ મારમાર્યો, યુવાનને સારવારમાં ખસેડાયો
વિંછિયાના છાસીયા ગામે રહેતા મૂળ સાયલના ઢીકવાળીના વતની અલ્પેશ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.21) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નાના માત્રા ગામે રહેતા રણજીત શેખા ડેરવાળીયા, હિતેશ સામા ડેરવાળીયા, વિપુલ સામા ડેરવાળીયા અને રોહિત ગભરૂ ગ્રામભડીયાના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ત્રણ ભાઇ છે. બધા ઢીકવાળી ગામે ભાગ્યુ રાખીને રહે છે.
તા.25 ના બપોરના ત્રણેક વાગ્યે યુવાન ઢીકવાળીથી વિંછિયા કપાસમાં છાટવાની દવા લેવા માટે આવ્યો હતો. બસ સ્ટેશન પાસે ઉભો હતો તે સમયે નાનામાત્રા ગામનો રણજીત ડેરવાળીયા તેની પાસે ઘસી આવી ગાળો આપવા લાગ્યો હતો. યુવાનને તેની સાથે કોઇ વાત કરવી ન હોય જેથી તે ત્યાંથી બાઇક લઇને નિકળી ગયો હતો.
યુવાનને પાક માટેની દવા લેવાની હોય જેથી તે વિંછિયામાં અડધો કલાક જેટલો રોકાયેલ, જે બાદ તે ઢીકવાળી જતો હતો અને રામાપીરના મંદિર પાસે ચામુંડા પાન સેન્ટર નામની દુકાને ઉભો રહેતા ગામનો હિતેશ વાળા નિકળેલ અને બન્ને ઉભા હતા.
દરમિયાન ઓરી ગામ બાજુથી એક ઇક્કો ગાડી આવી હતી. તેમાથી રણજીત ડેરવાળીયાએ ઉતરીને તેની પાસે રહેલા લાકડાના ધોકા વડે યુવાનને મારમારતા તે નીચે પડી ગયો હતો. બાદમાં ગાડીમાથી હિતેશ ડેરવાળીયા લોખંડનો પાઈપ લઈ નીચે આવ્યો હતો અને પાઇપ વડે મારમાર્યો હતો. ત્યારબાદ વિપુલ ડેરવાળીયા તથા રોહિત ગ્રામભડીયાએ યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન યુવાન સાથે રહેલા હિતેશભાઇ માણસુરભાઇ વાળાએ તેને વધુ મારમાંથી બચાવ્યો હતો.
દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ શખ્સો ગાડી લઇને નીકળી ગયા હતાં. જતા જતા કહેતા ગયેલ કે તારે જેમ રહેવુ હોય તેમ રેહજે તને મારી નાખવો છે તેવી ધમકી આપી નાસી ગયા હતાં. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
યુવાને ફરિયાદમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા રણજીત ડેરવાળીયા (રહે.નાનામાત્રા) સાથે તાર ફેન્સિંગમા તેની સાથે મજુરીએ જતો હતો જે બાદ યુવાને તેની સાથે છ મહીના કામ કરેલ જે બાદ તેણે અલગ તાર ફેન્સિંગનુ કામ રાખતો હોવાના કારણે તેનો ખાર રાખી રણજીત સહિતના આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. બનાવ અંગે વિંછિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.