ડિજિટલ યુગમાં બાળાઓએ મેદાન ગજવ્યું: જસદણની સોલીટેર સોસાયટીમાં યોજાઈ અનોખી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ
શ્રી રામેશ્વર મહાદેવ બાળા ટીમ બની ચેમ્પિયન બાળકોએ જાતે જ કાગળ અને કાર્ડબોર્ડમાંથી વેસ્ટમાંથી બેસ્ટ ટ્રોફી બનાવી દાખવ્યો અનોખો ઉત્સાહ
આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર આવીને મેદાન પર રમે અને તેમનામાં ખેલદિલી તથા ટીમવર્કની ભાવના કેળવાય તેવા ઉત્દાત આશય સાથે જસદણના આટકોટ રોડ સ્થિત સોલીટેર સોસાયટી ખાતે બાળાઓ માટે એક દિવસીય રાત્રી પ્રકાશ (નાઇટ) ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય અને પ્રશંસનીય આયોજન કરવામાં આવ્યું હતું. રોમાંચ અને ઉત્સાહથી સભર આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી. શાનદાર રમતનું પ્રદર્શન કરીને શ્રી રામેશ્વર મહાદેવ બાળા ટીમે ભવ્ય વિજય મેળવીને ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું હતું આ આખીય ટુર્નામેન્ટની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે બાળકોએ બજારમાંથી મોંઘી ટ્રોફી ખરીદવાને બદલે પોતાની સુઝબુઝ અને કલાત્મકતાનો પરિચય આપ્યો હતો. તેમણે કાગળ અને કાર્ડબોર્ડનો ઉપયોગ કરીને જાતે જ અત્યંત સુંદર હોમમેડ ચેમ્પિયન્સ ટ્રોફી તૈયાર કરી હતી. સોસાયટીના મંદિર પરિસરમાં યોજાયેલા ઇનામ વિતરણ સમારોહમાં બાળકોની આ ક્રિએટિવિટી સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વિજેતા બનનાર શ્રી રામેશ્વર મહાદેવ બાળા ટીમના ખેલાડીઓને સોલીટેર સોસાયટીના પ્રમુખ દીપકભાઇ રવિયાના હસ્તે ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીપકભાઇ રવિયાએ બાળાઓના ખેલદિલીભર્યા પ્રદર્શન અને બાળકોના સર્જનાત્મક પ્રયાસોને મુક્તમને બિરદાવ્યા હતા.
સોસાયટીના આ સકારાત્મક અને પ્રેરણાદાયી આયોજનથી વાલીઓ તેમજ સ્થાનિક રહીશોમાં ભારે હર્ષની લાગણી છવાઈ ગઈ હતી અને બાળાઓનો ઉત્સાહ બેવડાયો હતો