ગુજરાતમાં આવતીકાલથી ફરી મેઘસવારી બે ઓગસ્ટ સુધી વરસાદની રેલમછેલ રહેશે
શુક્રવારથી વરસાદ જોર પકડશે સાર્વત્રિક વ્યાપક વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમને કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી થઈ છે. આવતીકાલથી બે ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદની સંભાવના છે. ખાસ કરીને તા.૩૧ને શુક્રવારે અમુક સ્થળોએ અતિભારે વરસાદની પણ ચેતવણી આપવામાં
આવી છે
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડીપ્રેશન સિસ્ટમ ઉતરીય ઓડિશા, ઝારખંડ તથા છત્તીસગઢ પર કેન્દ્રીત છે અને પ્રતિ કલાક સાત કિલોમીટરની ઝડપે પશ્ચિમી દિશામાં આગળ ધપી રહી છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ અનેક રાજ્યોમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે
આજથી ૩ ઓગસ્ટ સુધી કોંકણ-ગોવા, તા.૧ ઓગસ્ટ સુધી મધ્ય પ્રદેશ તથા ૩૧
ઓગસ્ટ સુધી મરાઠાવાડામાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાત રીજીયનમાં ૩૦ જુલાઇથી ૨ ઓગસ્ટ તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં 31 જુલાઈથી ૨ ઓગસ્ટ ભારે-વ્યાપક વરસાદની સંભાવના છે. આ દરમિયાન ખાસ કરીને ૩૧ ઓગસ્ટે અમુક સ્થળોએ અતિભારે વરસાદ થવાની સંભાવના છે
ગુજરાત હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું કે ગુજરાત રીજીયનમાં આવતીકાલથી વરસાદ શરુ થશે. નર્મદા, તાપી તથા ડાંગ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારથી સિસ્ટમ વધુ જોર પકડશે. છોટા ઉદેપુર તથા નર્મદામાં અમુક સ્થળે અતિભારે વરસાદ થઈ શકે છે. આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.