error: This Content is protected !!

મેક ઇન જસદણ દેશનાં સીમાડા કૂદી આફ્રિકા સુધી પહોંચતો થ્રેશર ઉદ્યોગ એન્જિનિયરિંગની ડિગ્રી વગર કોઠાસૂઝથી આધુનિક મશીન બનાવતા કારીગરોની કરામત

જસદણમા ૮૦થી વધુ કારખાનામાં પાંચથી સાત હજાર કારીગરોને રોજગારી મળે છે: જયંતિભાઈ રાઠોડ

ત્રણ ધોરણ સુધી ભણેલા જગદીશભાઈ ફક્ત ડિઝાઇન જોઈને થ્રેશર બનાવે છે

 

 રમકડાં, હેન્ડીક્રાફ્ટ, ભરતગૂંથણ અને એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ઉદ્યોગ તરીકે વિકસેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકાએ “વોકલ ફોર લોકલ” તરીકે આગવી ઓળખ મેળવી છે. જસદણનાં કારીગરોની કરામત આજે અન્ય રાજ્યોથી લઇને વિદેશમાં પણ જાણીતી બની છે. ત્યારે આજે વાત કરીએ જસદણમાં નિર્માણ પામતાં ખેતીનાં મહત્વપૂર્ણ સાધન થ્રેશરનાં ઉદ્યોગ વિશે... 

 આગામી તા.૧૧ અને ૧૨ જાન્યુઆરીનાં રોજ રાજકોટ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વી.જી.આર.સી.) યોજાશે. વડાપ્રધાનશ્રી દ્વારા ખુલ્લી મૂકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનાર આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસને નવી દિશા મળશે.

 આપણાં દેશમાં આજે પણ ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ખેતી અને ખેડૂતને સમૃદ્ધ કરવા રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ ઉપયોગી બની રહી છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનાં સહયોગથી ઓછાં સમય, શ્રમથી કૃષિ કાર્ય સરળ બન્યું અને ખેત મશીનરી ઉદ્યોગ વિકસ્યો છે. ત્યારે જસદણનો થ્રેશર ઉદ્યોગ દેશનાં સીમાડા વટીને આફ્રિકા સુધી પહોંચ્યો છે. આજે થ્રેશર ઉદ્યોગ જસદણની આગવી ઓળખ બની ગયો છે.

 વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં “વોકલ ફોર લોકલ”ને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે સ્થાનિક ઓળખને વિસ્તૃત અને વૈશ્વિક લેવલે લઈ જવા વી.જી.આર.સી. જેવા કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. જસદણમાં ખેતીવાડીનાં ઓજાર બનાવવાની કંપની ધરાવતા જયંતીભાઈ રાઠોડે સરકારનાં “વોકલ ફોર લોકલ” અભિયાનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે અહીનાં થ્રેશર ઉદ્યોગને કારણે જસદણ પંથકે દેશ વિદેશમાં અનોખી ઓળખ મેળવી છે. જસદણમાં ૮૦થી વધુ થ્રેશરનાં કારખાનામાં અંદાજે પાંચથી સાત હજાર કારીગરોને રોજગારી મળી રહી છે.

 તેમણે કહ્યું કે, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં વિવિધ ટેક્નોલોજી આવતા અત્યારે ખેતીકાર્ય સરળ બની રહ્યું છે. અત્યારનાં મલ્ટીપર્પસ થ્રેશર જે ખેડૂતોમાં 'ડબા' તરીકે ઓળખાય છે. આ થ્રેશર દાણાને અલગ કરી નકામા કચરાને (નિરણ )ડબામાં ભરી આપે છે. આ ઉપરાંત ખેડૂતની ઈચ્છા મુજબ ગમે તે સ્થળે અનાજનો ઢગલો કરી આપે છે. આ ટેક્નોલોજીથી કુદરતી આફતનાં સમયે ઝડપથી તથા સુરક્ષિત જગ્યાએ અનાજનો સંગ્રહ કરી શકાય છે. 

જયંતીભાઈએ વિશેષમાં કહ્યું કે, ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ આફ્રિકા સુધી જસદણ પંથકનાં થ્રેશરની નિકાસ કરવામાં આવે છે. 

જુદાં-જુદાં ૧૫૦થી ૨૦૦ જેટલા પાર્ટનો ઉપયોગ કરી આ મશીન બને છે, ૪૦ થી ૫૦ જેટલા કામદારો રો-મટીરીયલમાંથી પ્રોસેસ કરી થ્રેશર બનાવે છે. જેમાં ઉપયોગમાં લેવામાં આવતું એમ.એસ. લોખંડ અને જી.પી. પતરું અમદાવાદ, આણંદ, ભાવનગર અને મુંબઈ સહિતનાં શહેરોમાંથી મંગાવવામાં આવે છે.

 જસદણની મુખ્ય ઓળખ તેનું જડતર કામ છે. થ્રેશરમાં વેલ્ડિંગ ઉપરાંત જડતર કામ કરવામાં આવે, જેનાથી થ્રેશર મજબૂત રહે છે. 

ફક્ત ત્રણ ધોરણ સુધી ભણેલા અને ૩૫ વર્ષથી જસદણમાં થ્રેશર બનાવતા કારીગર શ્રી જગદીશભાઈ પાસે આગવી સૂઝ છે. ફક્ત ફોટો જોઈને કોઈપણ પ્રકારનું થ્રેશર બનાવી આપતા જગદીશભાઈએ કોઈ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગની ડીગ્રી લીધી નથી. પરંતુ, હાથની કારીગરી અને પોતાનાં કૌશલ્યથી અવનવા થ્રેશર બનાવતા જગદીશભાઈ ખેતી અને ખેડૂતોનાં સાથી બન્યા છે. તેમણે કહ્યું કે, આજે દેશ-વિદેશની ખેતીમાં જસદણના થ્રેશરનો ઉપયોગ કરવામાં આવે છે, જે અમારા માટે ગૌરવની વાત છે. એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં પુષ્કળ તકો રહેલી છે. આગામી સમયમાં રાજકોટ ખાતે યોજાનાર વી.જી.આર.સી.માં આ ઉદ્યોગને નવી દિશા મળે અને વધુ સંશોધન થાય તે આવકાર્ય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ખેત ઓજાર ખરીદીમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ૪૦ થી ૫૦ ટકા જેટલી સબસીડી પણ આપવામાં આવે છે. જેથી આજે ખેતીનાં વિકાસ સાથે રાજ્યનાં ખેડૂતો પણ વિકસિત ભારતનાં નિર્માણમાં સહયોગી બની રહ્યાં છે.