જસદણના લાતી પ્લોટ મણીનગરમાં વાહન ચોર ત્રાટક્યો સ્કુટર અને સાઇકલ તફડાવી છું મંતર
સ્કૂટરમાંથી બેટરી કાઢી અવાવરૂ સ્થળે મૂકી દીધુ સાઈકલ બઠાવી ફરાર પોલીસે શોધખોળ આદરી
જસદણમાં મણીનગર વિસ્તારમાં રાત્રીના સમયે ત્રાટકેલ વાહન ચોરે શેરીમાં પાર્ક કરેલું સ્કૂટર અને સાયકલ ચોરી કરી ગયો હતો. જેમાંથી સ્કૂટરમાંથી બેટરી કાઢી અવાવારૂ સ્થળે મૂકી દીધું હતું આ અંગે પ્રૌઢ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ આદરી હતી.
બનાવ અંગે જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં મણીનગરમાં રહેતા બાપુભાઈ મેરામભાઇ ખાચર (ઉ.વ.58) નામના પ્રૌઢે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.31 ના સાંજના છ વાગ્યા આસપાસ તેમણે ઘર પાસે ટીવીએસ ફોનિકસ નં. જીજે 3 જેપી 8439 વાળું સ્કૂટર ઘર પાસે પાર્ક કર્યું હોય રાત્રિના તેઓ ઘરની બહાર નીકળી જોતા સ્કૂટર જોવા મળ્યું ન હતું.
જેથી આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ સ્કૂટર જોવા મળ્યું ન હતું બાદમાં બીજા દિવસે તપાસ કરતા સોસાયટીની પાછળ અવાવરૂ સ્થળેથી આ સ્કૂટર મળી આવ્યું હતું જેમાંથી બેટરી કાઢીને ચોરી લીધી હોવાનું માલુમ પડ્યું હતું.
બાદમાં પ્રૌઢને જાણ થઈ હતી કે, તેમના પાડોશમાં રહેતા સમીર નિસ્તરભાઇની સાઇકલ જે ઘર પાસે બહાર રોડ પર રાખી હોય તે કોઈ ચોરી કરી ગયું હતું. આમ રાત્રીના ફરિયાદીના સ્કૂટરમાંથી રૂ. 2,000 ની કિંમતની બેટરી તથા તેમના પાડોશીની સાયકલ રૂ.10,000 એમ કુલ રૂપિયા 12,000 ની ચોરી કરી ગયા અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.