જસદણના પ્રતાપપર-કાનપર રોડ પર બ્રિજના એપ્રોચનું ત્વરિત સમારકામ કરાયું
રાજકોટ પંચાયત માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી વાહનવ્યવહાર પૂર્વવત્
તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજકોટ જિલ્લાના વિવિધ માર્ગો પર થયેલા નુકસાનની તાત્કાલિક મરામત માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે. વરસાદી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર અવિરત ચાલતો રહે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે વિભાગ દ્વારા વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના મરામતની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.
હાલમાં જસદણ તાલુકામાં પ્રતાપપર કાનપર રોડ પર આવેલા બ્રિજના એપ્રોચ પાસે ભારે વરસાદના લીધે ધોવાણ થયું હતું. આથી પંચાયત માર્ગ અને મકાન વિભાગની ટીમે સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરીને સમારકામની કામગીરી શરૂ કરી હતી. જરૂરી મશીનરી અને માનવબળની મદદથી અહીં સાઈડ સોલ્ડરમાં રિપેરિંગ કામ પૂર્ણ કરીને માર્ગને ફરી મોટરેબલ બનાવી દેવામાં આવ્યો છે.
આ કામગીરી પૂર્ણ થતાં માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત્ શરૂ થયો છે અને સ્થાનિક ગ્રામજનો માટે અવરજવર સુગમ બની છે.