ગાંધીનગર ખાતે રોજગાર અને તાલીમ નિયામક કચેરીનું આધુનિકીકરણ થતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ઉદ્ઘાટન કરાયું
ગાંધીનગર ખાતે આવેલી નિયામક રોજગાર અને તાલીમ કચેરી. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં.–૧ના ત્રીજા માળ ખાતે આશરે ૬,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારનું સંપૂર્ણ આધુનિકીકરણ હાથ ધરવામાં આવેલ, સ્વચ્છ, સુવિધા સભર અને હવા ઉજાસ યુક્ત આધુનિક વ્યવસ્થા, ઇન્ટરનેટ સુવિધા, ઉચ્ચ ગુણવત્તાની લાઇટિંગ સિસ્ટમ, સ્ટાફ તથા મહેમાનો માટે રિફ્રેશમેન્ટ રૂમ, અધિકારીઓ માટે ૧૪ ઓફિસો, કર્મચારીઓ માટે ૪૮ વર્ક-સ્પેસ તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો માટે સુવ્યવસ્થિત સ્ટોરેજ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે રાજ્યના યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસ સંબંધિત સેવાઓ વધુ ઝડપથી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. તાજેતરમાં હાથ ધરાયેલા આ નવીનકરણથી અધિકારીઓ તથા કર્મચારીઓની કાર્યદક્ષતા વધશે અને રાજ્યમાં વ્યવસાયલક્ષી તાલીમની યોજનાઓના અમલીકરણને વધુ વેગ મળશે.
આ નવીનકૃત કચેરીનું ઉદ્ઘાટન કુંવરજીભાઈ બાવળિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર તથા રાજ્ય કક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત રાજ્યના વરદ હસ્તે તા. ૦૫/૦૧/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ હતુ, આ પ્રસંગે લોચન સહેરા, સચિવ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ખાસ ઉપસ્થિત રહેલ વધુમા કે.ડી. લાખાણી, નિયામક રોજગાર અને તાલીમ, કે.જે. રાઠોડ નિયામક કૌશલ્ય અને વિકાસ તેમજ વિભાગ અને કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહેલ.
આ શુભ પ્રસંગે માનનીય મંત્રીની ઉપસ્થિતિમાં આઇટીઆઇ ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Training ના પ્રોગ્રામ શરૂ કરાવા બાબતે પરસ્પર સમજૂતી કરાર (MOU) કરવામાં આવેલ છે. આ કરારથી આઇટીઆઇ ધોલેરા ભારતની પ્રથમ Semiconductor Ready આઇટીઆઇ તરીકે વિકસિત થશે અને Semiconductor ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવાની કામગીરીને વેગ મળશે.આ પહેલ રાજ્ય સરકારની સક્ષમ પ્રશાસન, ગુણવત્તાયુક્ત સેવા અને માનવ સંસાધન વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.