ચકડોળ ફાળકામાં બેસવા મુદ્દે બે જૂથ વચ્ચે લોહિયાળ બધડાટી ઘૅલા સોમનાથના મેળામાં યુવકનૅ છરીનો ઘા ઝીંકાતા ગંભીર સામસામે 18 વિરુદ્ધ ફરિયાદ
નજીવી બાબતે બંને જૂથ વચ્ચે જાહેરમાં છરીઓ અનૅ લાકડીઓ ઉછળતા અફરાતફરી મચી હતી મામલો વધુ બીચકે તે પહેલાં પોલીસે ધસી આવી સ્થિતિ સંભાળી હતી
જસદણ વિંછીયા નજીક આવેલા યાત્રાધામ ઘેલા સોમનાથ ખાતે આયોજિત લોકમેળામાં ચકડોળમાં બેસવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બધડાટી બોલી હતી મેળાનું સંચાલન કરી રહેલા આયોજક પર થયેલા હુમલા બાદ મામલો એટલો બિચક્યો હતો કે જાહેરમાં છરીઓ અને લાકડીઓ ઊછળતા ઘડીભર તો અફરાતફરી મચી ગઈ હતી.
ઘેલા સોમનાથમાં મેળાનું આયોજન કરનાર વિપુલ આહિર પર ભડલી ગામના કોળી સમાજના યુવકોએ ચકડોળમાં બેસવા મામલે બોલાચાલી બાદ હુમલો કર્યો હતો. જે દરમિયાન વિપુલ આહિરને બચાવવા માટે નજીકમાં હાજર ભરવાડ સમાજના યુવાનો વચ્ચે પડ્યા હતા અને તેમણે કોળી જૂથના યુવકોનો સામનો કરી તેમને ભગાડ્યા હતા.
જો કે, આ બાબતનો બદલો લેવાની ફિરાકમાં રહેલા કોળી સમાજના યુવકોએ થોડી જ વારમાં ઘાતક હથિયારો સાથે ધસી આવી અનિલ ભરવાડ નામના યુવક પર હુમલો કરી દીધો હતો. અનિલના માથાના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેતાં તે રક્તરંજિત હાલતમાં ઢળી પડ્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાબડતોબ જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જાહેરમાં થયેલી આ જૂથ અથડામણના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જતાં તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસર્યા હતા અને મામલો વધુ બીચકે તે પહેલાં પોલીસ હરકતમાં આવી હતી અને પરિસ્થિતિ વધુ વણસવા દીધી ન હતી ઘટનાની ગંભીરતાને પારખી જસદણ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ લોહિયાળ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામી જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કોળી અને ભરવાડ બંને સમાજના નવ-નવ મળીને કુલ 18 શખ્સ વિરુદ્ધ રાયોટિંગ અને જીવલેણ હુમલા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.