જસદણના વેપારીને વ્યાજના વિષ ચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ
દબાણ ઊભું કરવા કોરા ચેક બાઉન્સ કરાવ્યા ૫ થી ૧૫ ટકા વ્યાજે લીધેલા ૧૦ લાખનું વ્યાજ ચૂકવી દીધા છતાં ચાર વ્યાજખોરોએ ધમકી આપી
જસદણના વેપારીને ઊંચા વ્યાજદર વસૂલી ધમકી આપવા અને બળજબરીથી નાણાં પડાવવા બદલ ચાર વ્યાજખોરો સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે મળતી વિગતો મુજબ જસદણના વિવેકાનંદ નગરમાં રહેતા વેપારી જિગ્નેશભાઈ મગનભાઈ ચોહલીયા (ઉમર ૨૯, રહે.) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધંધાકીય જરૂરિયાત અને વાહનને હપ્તા ભરવા માટે ફરિયાદીએ અલગ-અલગ સમયે વિરાંગભાઈ ભગાભાઈ બાવળીયા (રહે. જસદણ). રાજવીરભાઈ (રહે. જસદણ), પ્રવીણભાઈ દરબાર (રહે. નાના માત્રા, વિંછીયા) અને હરકેશભાઈ દરબાર (રહે. ઈસાપર, બાબરા) પાસેથી કુલ રૂ. ૧૦,૮૦,૦૦૦ અલગ-અલગ ૮%, ૧૫% અને ૫% જેવા ઊંચા માસિક વ્યાજે લીધા હતા. સિક્યોરિટી પેટે આરોપીઓએ ફરિયાદીની ટોયોટા રૂમિયન અને સિસ્વિફ્ટ ડિઝાયર જેવી મોંઘી ગાડીઓ તથા સહી કરેલા કોરા ચેકો પણ પડાવી લીધા હતા ફરિયાદીએ અત્યાર સુધીમાં રૂ. ૧,૨૨,૪૦૦ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીઓ અવારનવાર ફોન કરીને તથા પ્રત્યક્ષ રીતે પઠાણી ઉઘરાણી કરતા હતા. નાણાં ન ચૂકવે તો જાનથી મારી નાખવાની, હાથ-પગ ભાંગી નાખવાની અને ગાડીઓ સળગાવી દેવાની ધમકીઓ આપીને ખિસ્સામાંથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવામાં આવતા હતા. આરોપીઓ દ્વારા સતત મળતી ધમકીઓના કારણે ભયભીત થયેલા ફરિયાદીને તેમની માતાએ હિંમત આપતાં આખરે તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા.
આ મામલે પોલીસે આરોપીઓ વિરાંગભાઈ ભગાભાઈ બાવળીયા રાજવીરભાઈ, પ્રવીણભાઈ દરબાર અને હરકેશભાઈ દરબાર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ. જે.પી. ગોસાઈ ચલાવી રહ્યા છે.