એમ્બ્યુલન્સ માંથી દર્દીને બદલે દારૂ મળ્યો ઉંટવડના આંબલીધાર નજીક બુટલેગરનો કીમીયો નિષ્ફળ વિદેશી દારૂ ભરેલ એમ્બ્યુલન્સ પકડાઇ
દર્દીના સ્ટ્રેચર નીચે ચોરખાનુ બનાવી રૂા.2.21 લાખનો દારૂ છુપાવ્યો હતો દારૂ - એમ્બ્યુલન્સ સહિત રૂા.10.66 લાખના મુદ્દામાલ સાથે ગોંડલના શખ્સની ધરપકડ
પોલીસની રાજકોટ-ભાવનગર હાઇવે પર કાર્યવાહી દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં જ વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો.
ગોંડલના વોરા કોટડા રોડ, જેલની સામે આવેલા આવાસ ક્વાર્ટરમાં રહેતા સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (ઉં.વ. 34), વ્યવસાયે ડ્રાઇવર, પોતાની હવાલાવાળી એમ્બ્યુલન્સ નં. GJ-05-AV-5525 લઇને તા. 11ના રોજ સાંજના આશરે 6ઃ15 વાગ્યે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો.
દરમિયાન એમ્બ્યુલન્સ બાબરા ઉટવડ નજીક આંબલીધાર બાદ આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપથી થોડે આગળ ગોળાઇમાં ઉંટવડ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી. તે સમયે બાબરા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે શંકાસ્પદ એમ્બ્યુલન્સને રોકી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી પોલીસે એમ્બ્યુલન્સની તપાસ કરતા દર્દીઓ માટે બનાવવામાં આવેલા કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગે આવેલા સ્ટ્રેચર બેડની નીચે ગુપ્ત રીતે બનાવવામાં આવેલું ખાનુ મળી આવ્યું હતું.
ગુપ્ત ખાનામાંથી 180 મી.લી.ની એક બ્રાન્ડની કુલ 672 બોટલ, જેની કિંમત રૂા. 1,35,072 ગણવામાં આવી છે, જ્યારે બીજી બ્રાન્ડની 180 મી.લી.ની કુલ 1296 બોટલ, જેની કિંમત રૂા. 2,21,616 હોવાનું જણાવાયું છે, મળી આવી હતી. આમ, પોલીસે કુલ 1968 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેની કુલ કિંમત રૂા. 3,56,688 થાય છે.
આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી એમ્બ્યુલન્સ નં. GJ-05-AV-5525, કિંમત રૂા. 7 લાખ, તેમજ એક મોબાઇલ ફોન, કિંમત રૂા. 10 હજાર, કબજે કર્યો હતો. આમ, દારૂ સહિત એમ્બ્યુલન્સ અને મોબાઇલ ફોન મળી કુલ રૂા. 10,66,688નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
ર્દીઓને સારવાર માટે લઇ જવા ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં જ સ્ટ્રેચર બેડની નીચે ગુપ્ત ખાનુ બનાવી દારૂ સંતાડવાની આ રીતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સામાન્ય વાહનની જગ્યાએ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી પોલીસ તપાસથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
બાબરા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આરોપી સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ સામે પ્રોહિબિશન અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ? કોને પહોંચાડવાનો હતો ? તે સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.