વિંછીયાના કોટડા ગામે ૧૦૦ ચો.વારના પ્લોટના ૧૫ લાભાર્થીઓને સનદ વિતરણ માલિકીના અધિકાર, સુરક્ષા અને સ્વાભિમાનનું પ્રતીક કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે ૧૦૦ ચો.વારના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે ૧૦૦ ચો.વાર પ્લોટના ૧૫ લાભાર્થીઓને સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને પોતાના ઘરનું ઘર મળે અને તેમની મિલકતને કાયદેસરના માલિકી હક્ક પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્લોટની સનદ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ લાભાર્થી પરિવાર માટે માલિકીના અધિકાર, સુરક્ષા અને સ્વાભિમાનનું પ્રતીક છે. સનદ મળવાથી લાભાર્થીઓને પોતાના પ્લોટ અંગે કાયદેસરનો હક્ક પ્રાપ્ત થશે તેમજ ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં પણ સરળતા રહેશે.
કોટડા ગામના ૧૫ લાભાર્થીઓને સનદ મળતાં તેઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. લાભાર્થી પરિવારોએ જણાવ્યું હતું કે, સનદ મળવાથી પોતાના પ્લોટ અંગેનો માલિકી હક્ક વધુ સુરક્ષિત બન્યો છે અને પરિવારના ભવિષ્ય માટે વિશ્વાસ તથા વિકાસની તકો ઊભી થઈ છે.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ, ગ્રામજનો તથા લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.