જસદણ વિંછીયા રાજકોટ સહિત જિલ્લામાં સર્વેયરોની હડતાળથી જનતા ત્રાહિમામ જમીન માપણી સહિતની કામગીરી ઠપ
અંદાજે એક મહિનાથી ચાલતી હડતાલ થી અરજદારોના કામો અટવાયા સરકાર વહેલી તકે ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ
જસદણ વિંછીયા રાજકોટ સહિત ગુજરાતમાં સર્વેયરોની હડતાળને એક મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન આવતા સામાન્ય જનતાની મુશ્કેલી સતત વધી રહી છે. જમીન માપણી, હદ નિર્ધારણ સહિત સર્વેયરો સાથે સંકળાયેલી અનેક કામગીરી અટકી પડતાં ખેડૂતો, જમીન માલિકો અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એક મહિનાથી હડતાળ ચાલુ રહેવાના કારણે પેન્ડિંગ અરજીઓનો ભરાવો વધી રહ્યો છે. પોતાના જરૂરી જમીન સંબંધિત કામો માટે અરજદારો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સર્વેયરોની કામગીરી શરૂ ન થતાં લોકોને નિરાશ થઈ પરત ફરવાની સ્થિતિ સર્જાઈ રહી છે.
એક મહિનો વીતી ગયો, છતાં ઉકેલ કેમ નહીં?
જનતામાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે સર્વેયરો અને સરકાર વચ્ચેના પ્રશ્નનો ઉકેલ લાવવામાં હજુ કેટલો સમય લાગશે? એક તરફ સર્વેયરો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર છે, તો બીજી તરફ તેનો સીધો ભોગ સામાન્ય નાગરિક બની રહ્યો છે.
સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ
જસદણ વિંછીયા રાજકોટ જિલ્લા સહિત ગુજરાતની જનતાની હાલાકી અને અટવાયેલા સરકારી કામોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે અને સર્વેયરો સાથે ચર્ચા કરી યોગ્ય સમાધાન લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. એક મહિનાથી ચાલી રહેલી હડતાળનો વહેલી તકે અંત આવે અને સર્વેયરો ફરી કામગીરી પર જોડાય તે માટે સરકાર ઝડપથી નિર્ણય લે તેવી જનતાની અપેક્ષા છે હવે વધુ વિલંબ નહીં, જનતાના હિતમાં તાત્કાલિક ઉકેલ જરૂરી છે.