જસદણ આટકોટના સાણથલીમા ખેડૂતની કિંમતી જમીન પાંચ લાખમાં પડાવી લીધી વ્યાજખોર પિતા-પુત્રનું કારસ્તાન બીજો ગુનો દાખલ
ત્રણ ટકા વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવી 20 લાખ માંગ્યા જેબલીયા પિતા-પુત્રોએ પંથકના ખેડૂતૉની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો આટકોટ પોલીસે વધુ એક ગુનો નોંધ્યો
જસદણના સાણથલી ગામે રહેતા વ્યાજખોર જેબલીયા પિતા-પુત્રોનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. અગાઉ વૃદ્ધ ખેડૂતને રૂ. 5.50 લાખ વ્યાજે આપી જમીન પડાવી લેનાર પિતા-પુત્રોએ અન્ય એક ખેડૂત યુવાનને રૂ. 5 લાખ માસિક ત્રણ ટકા વ્યાજે આપી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. ખેડૂત યુવાને દસ્તાવેજ પરત આપવાનું કહેતા વ્યાજખોરોએ રૂ. 20 લાખની માંગણી કરી હતી. જેથી ખેડૂત યુવાને ત્રણેય પિતા-પુત્રો સામે આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જસદણના સાણથલી ગામે રહેતા 40 વર્ષીય ખેડૂત યુવાન ચેતનભાઈ પોપટભાઈ રૂપારેલીયાએ નોંધાવેલ ફરીયાદમાં વ્યાજખોર તરીકે ગામમાં જ રહેતા ભગુભાઈ વલકુભાઇ જેબલીયા, પ્રતાપ ભગુભાઈ જેબલીયા અને રાજુ ભગુભાઈ જેબલીયા નામના પિતા-પુત્રોનું નામ આપી જણાવ્યું હતું કે, યુવકના પિતા પોપટભાઈ રૂપારેલીયાના નામે આશરે પંદરે વીઘા જમીન આવેલ હતી. જે જમીન પિતાજીના મૃત્યુ બાદ ઘરની પરીસ્થિતિ સારી નહી રહેતા જમીનમાંથી ગામના ખોડાભાઈ આહીરને પાંચ વિઘા તેમના લગ્ન વખતે વેચેલ હતી.
બાદ બીજી પાંચ વિઘા જમીન પીપળીયા ગામના અશોકભાઈ દરબારને વેચેલ હતી. વર્ષ 2017 મા બહેનોના લગ્ન પ્રસંગ વખતે સબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હોય જે નાણાં પરત આપવા માટે ગામના ભગુભાઈ જેબલીયા જે વ્યાજે પૈસા આપતા હોય તેમને પાંચ વીઘા જમીન પર પાંચ લાખ આપવાની વાત કરેલ હતી. જેથી તેઓએ જમીનનો દસ્તાવેજ કરી દેવાની અને બે વર્ષમાં રૂપિયા પરત આપી દઈશ તો તેઓ દસ્તાવેજ પરત કરી દેશે તેવી શરતે વર્ષ 2017 મા સાણથલી ગામની રેવન્યુ સર્વે નં-203 પૈકી 2 ની હે.આરે.ચો. મી. 0-81-94 જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ અને તેમણે પાંચ લાખ રૂપિયા માસિક ત્રણ ટકા વ્યાજે આપેલ હતા.
ત્યારે ભગુભાઈએ કહેલ કે, આ જમીનનો સાત/બાર બે વર્ષ સુધી તારા નામે રહેશે. બાદ પૈસાની સગવડ નહી થતાં ભગુભાઈ તેમજ તેના બન્ને દિકરા પ્રતાપ તેમજ રાજુ અવાર નવાર પૈસાની ઉઘરાણી કરવા લાગેલ હતા અને પાંચ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજ સાથે પરત આપવા પડશે તેમ કહી ઉઘરાણી કરતા હતા. વ્યાજખોર પિતા-પુત્રોને અવારનવાર કરાવી લીધેલ વેચાણ દસ્તાવેજ પરત આપવા જણાવતો હતો. ત્યારે તેઓ દસ્તાવેજ પરત કરી આપવાની વાત કરતા પરંતુ દર વખતે દસ્તાવેજ પરત કરી આપવા માટેની રકમ વધારતા જતા હતા.
થોડા દિવસ પહેલા આરોપીઓને દસ્તાવેજ પરત કરી આપવા બાબતે વાત કરવા ગયેલ ત્યારે ત્રણેય લોકોએ દસ્તાવેજ પરત કરી આપવા માટે રૂ.20 લાખની માંગણી કરેલ હતી. જે રકમ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આપી શકુ તેમ ન હોય ત્રણેય શખ્સોએ જમીનનો દસ્તાવેજ પરત નહિ આપી જમીન પડાવી લીધી હતી. જેથી અંતે ખેડૂત યુવાને વ્યાજખોરો સામે ફરિયાદ આપતાં આટકોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.
ઉલ્લેખનીય છે કે, વ્યાજખોર પિતા-પુત્રોએ સાણથલી ગામના જ અન્ય એક વૃદ્ધ ખેડૂત વશરામભાઇ મોહનભાઇ સીરોયાને રૂ. 5.50 લાખ માસિક ત્રણ ટકા વ્યાજે નાણાં આપી ઘરમાંથી કોઈ જીવતું રહેશે નહિ, ગામ મુકાવી દઈશ તેવી ધમકીઓ આપી સિક્યોરિટી પેટે જમીનનો દસ્તાવેજ કરાવી લીધેલ હતો. બાદ ખેડૂતે જમીનનો દસ્તાવેજ પરત માંગતા રૂ. 50 લાખની માંગણી કરી હતી. જે મામલે વૃદ્ધ ખેડૂતે બે દિવસ પૂર્વે જ વ્યાજખોર પિતા-પુત્રો સામે આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.