જસદણની શ્રી ચુનારાવાડ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું બાળકોને નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરાયા શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
દાંતા મનસુખભાઈ ઉમરેટીયા દ્વારા બાળકોને યુનિફોર્મ અપાયા દર વર્ષે બાળકોને ભૉજન અને રોકડ પુરસ્કારના દાતા પાલિકાના કર્મચારી હર્ષદભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા
જસદણની શ્રી ચુનારાવાડ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા મનસુખભાઈ ઉમરેટિયા તરફથી શાળાના તમામ બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાતાના આ સેવાકાર્યથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં દર વર્ષે બાળકોને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરતા જસદણ નગરપાલિકાના કર્મચારી હર્ષદભાઈ ઉપાધ્યાય તેમજ શાળાના પૂર્વ આચાર્ય જયાબેન દેસાઈ, વાજસુરપરા તાલુકા શાળાના આચાર્ય ભૂપતભાઈ વેકરિયા અને પૂર્વ સી.આર.સી. તથા વાજસુરપરા કન્યા શાળાના આચાર્ય રસિકભાઈ કાપડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધન કરીને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. વાલી સંમેલનના માધ્યમથી શાળા અને વાલીઓ વચ્ચેના સંવાદને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જસદણ તાલુકાના ટી.પી.ઈ.ઓ. ધવલભાઈ રામાનુજ તથા બી.આર.સી. કો-ઓર્ડિનેટર રવિદાન બારહટ અનિવાર્ય કારણોસર રૂબરૂ ઉપસ્થિત રહી શક્યા ન હોવાથી તેમણે ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવી આયોજનને બિરદાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનુસંચાલન શાળાના શિક્ષક કનુભાઈ રામાણી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાનાં આચાર્ય દિવ્યાબેન ચાવડાએ ઉપસ્થિત મહેમાનો, દાતાશ્રીઓ, વાલીઓ તથા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.