આટકોટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન કેન્દ્રનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ શ્રમિકોને રૂ ૫,માં પૌષ્ટિક ગરમ ભોજન મળશે
રાજ્યના વિકાસમાં પરસેવો પાડનારા શ્રમિકોનું સ્વાસ્થ્ય અને કલ્યાણ એ સરકારની પ્રાથમિકતા ભોજન કેન્દ્ર પરથી દરરોજ સવારે ૭ થી ૧૧ સુધી પૌષ્ટિક ગરમ ભોજન મળશે
જસદણ વિંછીયા ના ધારાસભ્ય અનૅ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં વરદ હસ્તે જસદણના આટકોટ ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આટકોટનાં કૈલાસનગરપરા ખાતે શરૂ કરાયેલા ભોજન કેન્દ્ર પર મંત્રીશ્રીએ ભોજનની ગુણવત્તાનું નિરીક્ષણ કરી, ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને પોતાના હાથે આદરપૂર્વક ગરમ અને પૌષ્ટિક ભોજન પીરસ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ ‘ધન્વંતરી આરોગ્ય રથ’ની મુલાકાત લઈને શ્રમિકો માટેની આરોગ્ય તપાસણી પ્રક્રિયા અને ઉપલબ્ધ દવાઓની વિગતો મેળવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોને સંબોધતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં બાંધકામ ક્ષેત્રનાં શ્રમિકોનો પરસેવો તથા અથાક પરિશ્રમ રહેલો છે. આ શ્રમિકો અને તેમના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શ્રમિકો દિવસભર આકરી મહેનત કરતા હોય ત્યારે તેમને પોતાના કાર્યસ્થળની નજીક જ સ્વચ્છ અને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ભોજન કેન્દ્રો શરૂ કરાયા છે.
માત્ર ₹૫/- ના ટોકન દરે મળતા પૌષ્ટિક ભોજનનો મહત્તમ લાભ મેળવવા તેમજ આસપાસ કામ કરતા અન્ય બાંધકામ ક્ષેત્રનાં શ્રમિક ભાઈ-બહેનોને પણ આ યોજના વિશે માહિતગાર કરવા મંત્રીએ અપીલ કરી હતી. જે શ્રમિકો પાસે હાલ ‘ઈ-નિર્માણ કાર્ડ’ ન હોય તેમને કેન્દ્ર પર જ તાત્કાલિક કામચલાઉ નોંધણી કરાવી ૧૫ દિવસ સુધી ભોજન મેળવી શકાય તેવી સરળ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ લોકાર્પણ સમારોહમાં જસદણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન, નાયબ શ્રમ આયુક્ત એસ.એસ.મેકવાન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ હિરપરા, તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ જાદવ સોનલબેન વાસાણી, આટકોટ ગ્રામ પંચાયતના ઉપસરપંચ નિલેશભાઈ જોટંગીયા સહિત અગ્રણીશ્રીઓ, શ્રમ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ શ્રમિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.