error: This Content is protected !!

જસદણના શિવરાજપુરની સીમમાં યુવાન પર શેઢા પાડોશીનો પાઇપથી હિંચકારો હુમલો યુવાન ઘવાયો

વાડીમાંથી ચાલવા અને ફેન્સીંગમાંથી છોકરાને નીકળવા બાબતે બોલાચાલી કરી મારમાર્યો ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

 

 

જસદણના શિવરાજપુર ગામની સીમમાં યુવાન પર શેઢા પાડોશીનો પાઇપથી હિંચકારો હુમલો કરતાં યુવાન ઘવાયો હતો. વાડીએથી ચાલવા બાબતે યુવાનને શેઢા પાડોશીઓએ પાઇપ વડે મારમારતા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવ અંગે વિંછિયાના સોમપીપળીયા ગામના વતની અને હાલ શિવરાજપુર ગામે રહેતા જયસુખ ભીખુભાઈ ઓળકીયા (ઉ.વ.25) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે શિવરાજપુરમાં રહેતા દિલીપ કડવાભાઇ સાવલિયા, સાગર કડવાભાઇ સાવલિયા અને કડવાભાઇ બેચરભાઈ સાવલિયાના નામ આપી જણાવ્યું હતું કે, તે શિવરાજપુર ગામે વિનુભાઈ સાવલિયાની જમીનમાં ભાગ્યું રાખી ખેતી કામ કરે છે.ગઈ તા. 23 ના સાંજના છ વાગ્યા આસપાસ યુવાન તથા તેના પત્ની ઉર્મિલાબેન બંને અહીં વાડીએ હતા ત્યારે ભત્રીજો વાડીએ આવ્યો હોય જેથી તેને બાજુની વાડીએ ઉર્મિલાબેન મુકવા જતા હતા. ત્યારે બાજુમાં વાડી ધરાવનાર દિલીપ સાવલિયા યુવાનની પત્ની સાથે બોલાચાલી કરતો હોય જેથી યુવાન અહીં ગયો હતો અને દિલીપને પૂછ્યું હતું કે શું થયું તો કહેવા લાગ્યો હતો કે છોકરાઓ કેમ નળમા ચડાવો છો તેમ કહી યુવાનની પત્નીને ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેને ગાળો દેવાની ના કહેતા તેની પાસે પાઇપ હોય જેનાથી યુવાન પર હુમલો કરી દીધો હતો.દરમિયાન સાગર સાવલિયા પણ અહીં આવ્યો હતો અને તેના હાથમાં પણ પાઇપ હોય તે પાઇપ મારવા જતા યુવાનની પત્નીએ પાઇપ પકડી લેતા યુવાનને પાટા માર્યા હતા. બાદમાં કડવા સાવલિયા પણ આવી ગયો હતો અને ગાળો દેતો હતો જેથી યુવાનની પત્ની વચ્ચે પડતા આ બધા અહીંથી જતા રહ્યા હતા. થોડીવાર બાદ યુવાન અને તેની પત્ની ભાઈની વાડીએ જતા હતા ત્યારે ફરી દિલીપ તથા સાગર અને કડવા સાવલિયા રસ્તામાં ભેગા થતા કહ્યું હતું કે, રસ્તામાં ચાલતા નહીં અને છોકરાઓ વાડીની જાળીમાંથી અંબાવતા નહીં તેમ કહી બેફામ બોલતા હતા. દરમિયાન અહીં અન્ય લોકો આવી જતા તેઓ જતા રહ્યા હતા. હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય જેથી તેને 108 માર પર સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, દિલીપભાઈની વાડી તેની વાડીની બાજુમાં આવેલી હોય ત્યાં રસ્તામાં ચાલતા હોય અને ત્યાં વાડી પાસેથી ફેન્સીંગની જાળીમાંથી છોકરા બીજાને અંબાવતા હોય તે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો. જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.