વિંછિયાના ફુલઝર ગામે પશુપાલકના બંધ મકાનમા તસ્કરો ત્રાટક્યા તાંબા પિત્તળના કીમતી વાસણોની ચોરી
મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.૬૦ હજારના કિંમતી ધાતુઓના વાસણો ચોરી કરી નાસી છૂટયા, પોલીસે તપાસ આદરી
વિંછિયાના ફુલઝર ગામે પશુપાલકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અંદરથી તાંબા-પિત્તળના વાસણો સહિત રૂ. ૬૦ હજારની મત્તાની ચોરી કરી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મકાનમાલિક દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે વિંછિયાના ફુલઝર ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા આંબાભાઈ રૂપાભાઈ રાતડીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં એક પુત્ર તથા ત્રણ પુત્રીઓ છે, જેમાંથી ત્રણેય દીકરીઓ સાસરીયે છે ગત તા.૨૦/૦૮ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યા આસપાસ ફરિયાદી પોતાની વાડીએથી ફુલઝર ગામે આવેલા પોતાના મકાને આવ્યા હતા. તેમણે મકાનના બંને રૂમના દરવાજા ખુલ્લા જોતાં અંદર જઈને તપાસ કરી હતી. તપાસ કરતા રૂમમાં રાખેલા તાંબા-પિત્તળના કીમતી ધાતુના વાસણો જોવા મળ્યા ન હતાં.
બંધ મકાનને નિશાન બનાવી બે તાંબાની ગોળી, એક પિત્તળની ગોળી, બે પિત્તળના બેડા, એક તાંબાનું બેડું, એક પિત્તળનો મોટો ગોરો, એક પિત્તળનો મોટો ટોપ, નાના-મોટા બોગેણા, એક પાટલી તથા ચાર તાંબાની લોટી-લોટો સહિત કુલ રૂ.૬૦ હજારની કિંમતનો સામાન તસ્કરો ચોરી કરી ગયા હતાં.આ અંગે આધેડ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા
તપાસ હાથ ધરી છે.