કારના બોનેટમા જુદા જુદા ચોરખાનામાં છુપાવેલો 370 બોટલ દારૂ ઝડપાયો બોટાદ થી ઘેલા સોમનાથ આટકોટ તરફ લઈ જતા હતા
જસદણના ગઢડીયા ચોકડી પાસે રૂરલ એલસીબીનો દરોડો: રૂ.1.70 લાખનો મુદામાલ જપ્ત, જસદણ, ગોંડલ અને મધ્યપ્રદેશના બુટલેગરના નામ ખુલ્યા, શોધખોળ
જસદણના ગઢડીયા ચોકડી પાસે રાજકોટ એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. કારમાં દારૂ છુપાવવા માટે અલગ અલગ જગ્યાએ ખાસ બનાવેલ ચોરખાનામાં છુપાવેલ 384 બોટલ દારૂના જથ્થા સાથે કારચાલક જસદણના ચીતલીયાના શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે તેની પૂછતાછ કરતા અન્ય ત્રણ શખસોના નામ ખુલ્યા હતા. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત રૂ. 1.70 લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દરોડાની વિગતો મુજબ, રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ - જુગારની પ્રવૃત્તિઓ શોધી કાઢવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન એવી હકીકત મળી હતી કે, સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે 3 ઇસી 8706 માં દારૂની હેરફેર થઈ રહી છે અને આ કાર બોટાદથી ઘેલા સોમનાથ આટકોટ તરફ જનાર છે. જેથી એલસીબીની ટીમે જસદણના ગઢડીયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન શંકાસ્પદ કાર પસાર થતા પોલીસે કાર અટકાવી હતી કારચાલકની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ જયંતી કુકા ઓતરાદી (ઉ.વ. 42 રહે. ચીતલીયા, જસદણ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તપાસ કરતાં પ્રથમ દ્રષ્ટિએ કઈ શંકાસ્પદ જણાયુ ન હતું પરંતુ બાતમી દ્રઢ હોવાથી પોલીસે કારની સઘન તપાસ કરતા તેમાં આગળ બોનેટ સહિતની અલગ અલગ જગ્યાએ ચોરખાના બનાવવામાં આવ્યા હતા જેમાં દારૂની બોટલો છુપાવી હતી પોલીસે કારમાંથી 384 બોટલ દારૂ ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા કારચાલકની પૂછતાછ કરતા દારૂની હેરફેરમાં અન્ય ત્રણ શખસોના નામ ખુલ્યા હતા. જેમાં રાહુલ છગન વાઘાણી (રહે. શિવરાજપુર, જસદણ), પ્રવિણ સેવા તોમર (રહે અલીરાજપુર, મધ્યપ્રદેશ) ધર્મેન્દ્ર ઉર્ફે ધમો વલકુ ખાચર (રહે. મોટા દડવા, ગોંડલ) નો સમાવેશ થાય છે. પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી અન્ય ત્રણ શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.