સુપોષણનો સંદેશ વિંછીયાના રેવાણીયા-થોરીયાળીમાં બાળકોના સર્વાંગી વિકાસ અને પાયાના શિક્ષણને પ્રોત્સાહન આપવા યોજાયો આંગણ ઉત્સવ
રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં બાળકોના સર્વાંગી વિકાસ અને પાયાના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આંગણવાડી કેન્દ્રો ખાતે ‘આંગણ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિંછીયા તાલુકાના રેવાણીયા આંગણવાડી કેન્દ્ર તેમજ થોરીયાળી આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીમાં બાળકો, વાલીઓ, આંગણવાડી સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
હસતાં હસતાં રમતાં રમતાં… બાળ મજાના અમે રમતાં રમતાં ના સુંદર સૂર સાથે આંગણ ઉત્સવ દરમિયાન બાળકોને રમત-ગમત અને પ્રવૃત્તિઓ દ્વારા કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે તેનું પ્રત્યક્ષ નિદર્શન વાલીઓ સમક્ષ કરાયું હતું. બાળકોએ પ્રાર્થના, બાળગીતો અને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર, તેડાગર અને આશા વર્કરને તેમની કામગીરી માટે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુપોષણમાંથી બહાર આવેલા બાળકોને પોષણ ચેમ્પિયન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.