જસદણના કમળાપુર ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ
બાળકોને પાયાનું ઘડતર શ્રેષ્ઠ રીતે મળી રહે તે માટે આધુનિક આંગણવાડી કેન્દ્રો મદદરૂપ બની રહ્યા છે માતા અને બાળકના સ્વસ્થ મહત્વપૂર્ણ કડી બન્યા છે
જસદણ તાલુકાના કમળાપુર ખાતે રૂ. ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, બાળકના સર્વાંગી વિકાસના પાયાના વર્ષોમાં તેને યોગ્ય વાતાવરણ, પોષણ અને પ્રારંભિક શિક્ષણ મળે તે ખૂબ જરૂરી છે. ભૂલકા શિક્ષણની કેડી પર પ્રથમ પગલું માંડે ત્યારે તેમને સારી અને સુવિધાસભર વ્યવસ્થા મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોને પોતાના સુવિધાસભર મકાન મળી રહે તે દિશામાં સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આધુનિક આંગણવાડી કેન્દ્રો બાળકોના પાયાના ઘડતરને મજબૂત બનાવવાની સાથે તેમના માટે સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
મંત્રી બાવળીયા એ વધુમાં ઉમેર્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો માત્ર બાળકો માટેનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ પોષણ, આરોગ્ય અને જાગૃતિલક્ષી વિવિધ અભિયાનો તથા સેવાઓનો લાભ આપવામાં આવે છે
આ પ્રસંગે આંગણવાડી સુપરવાઇઝર શ્રીમતી વૈશાલીબેને નવનિર્મિત આંગણવાડી કેન્દ્રમાં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અંગે મંત્રીને માહિતી આપી હતી. મંત્રીએ આંગણવાડીની મુલાકાત લઈ બાળકો માટે ઉપલબ્ધ સવલતોનું નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો દેવેન્દ્રભાઈ ઝાપડિયા વલ્લભભાઈ રાજપરા શ્રીમતી પ્રભાબેન, સરપંચ શાંતનુબેન, પૂર્વ સરપંચ ધીરુભાઈ રામાણી અગ્રણી ગટુભાઈ ગીડા સીડીપીઓશ્રી, આંગણવાડી કાર્યકર્તા બહેનો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.