error: This Content is protected !!

શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી પાલખી યાત્રામાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત મહાનુભાવો જોડાયા પ્રવાસીઓની સરળતા માટે એસ.ટી. ની બે બસના રૂટનો શુભારંભ

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરમાં ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહાદેવની પૂજા-અર્ચના કરી રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને મંત્રીએ જસદણ-વીંછીયા વાયા ઘેલા સોમનાથ માર્ગ પર બે સર્ક્યુલર એસ.ટી. બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. બસ સવારે ૬:૩૦ કલાકે જસદણથી વીંછીયા વાયા ઘેલા સોમનાથ અને મોઢુકા તરફ જશે, જ્યારે બીજી બસ વીંછીયાથી વાયા ઘેલા સોમનાથ અને અમરાપુર થઈ જસદણ પહોંચશે. આ નવી બસ સેવાથી યાત્રાળુઓ પવિત્ર ધામ ખાતે સરળ અને સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકશે.

મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે શ્રી ઘેલા સોમનાથ મહાદેવની મંગળા આરતી સાથે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દર્શનાર્થીઓ માટે સવારે અને બપોરે એમ બે વખત રુદ્રાભિષેક યોજાયો હતો.

મંગળા આરતી બાદ મહાદેવની ભવ્ય પાલખી યાત્રાનો પ્રારંભ મંત્રીકુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન બે વખત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સવારે અને રાત્રે મહાદેવની મહાપૂજા યોજાઈ હતી, જ્યારે બપોરે ૧૨ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે શૃંગાર દર્શન તથા સંધ્યા આરતી તથા પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પ્રહરની આરતીઓ ભક્તિપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.

વહીવટી તંત્ર દ્વારા મહાપૂજા અને મહા આરતી સહિત તમામ કાર્યક્રમોની સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી.

.આ પ્રસંગે પ્રાંત અધિકારી જસદણ રાહુલ ખાંભરા, પ્રાંત અધિકારી વીંછીયા ઉત્તમ કાનાણી, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડો. નવીન ચક્રવર્તી, વિભાગીય નિયામક એમ. પી. રાજ, વિભાગીય પરિવહન અધિકારી એચ. આર. કટારા, ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામી, ઘેલા સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.