error: This Content is protected !!

આટકોટ નજીકના કરમાળ કોટડા ગામે સારણ નદી પાસેની વાડીમાં રૂા.૫.૨૪ લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ

રાજકોટ ગ્રામ્ય એસઓજીનો આટકોટમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે દરોડો, ૧૦ કિલો ગાંજો કબજે 

 

 

રાજકોટ જીલ્લામાં માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચલાવવામાં આવી રહેલી SAY NO TO DRUGS ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાને મોટી સફળતા સાંપડી છે. કરમાળ કોટડા ગામ નજીક વાડી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના વાવેતર પર દરોડો પાડી પોલીસે રૂ. ૫,૨૪,૨૫૦ની કિંમતના ગાંજાના છોડ સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ તથા વાવેતર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન એસઓજી ના એ.એસ.આઇ. ક્રિપાલસિંહ જાડેજા, પિયુષભાઈ અઘેરા તથા નૈમિષભાઈ મહેતાને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ આટકોટ વિસ્તારમાં આવેલ કરમાળ કોટડા ગામની સીમમાં સારણ નદી પાસે લાભુભાઈ કરશનભાઈ ચાવડાએ પોતાની વારસાઈ વાડી માં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું. બાતમી વાળા સ્થળે એસઓજીને ટીમ દ્વારા તુરંત જ દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં હાજર લાભુભાઈ કરશનભાઈ ચાવડા ની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે પોતે ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી પોતાની વાડીમાં જ ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે સ્થળ પરથી ૧૦ કિલો ૪૮૫ ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજો) કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા ૫,૨૪,૨૫૦ થાય છે.

આ મામલે આરોપી વિરૂદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસની કલમ-૮(બી), ૨૦(એ)(૧) મુજબ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી.મિશ્રા, એ.એસ.આઇ. વિપુલભાઇ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોઝભાઇ બ્લોચ, નૈમિષભાઈ મહેતા, પિયુષભાઈ અઘેરા, ચંદુભાઈ પલાળિયા, મયુરભાઈ વિરડા, વિજયગિરી ગોસ્વામી, રણજીતભાઈ ધાંધલ, પૃથ્વિરાજસિંહ ડોડિયા તથા ડ્રાઇવર નરસિંહભાઈ બાવળીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.