error: This Content is protected !!

રાજયમાં લવ જેહાદ - ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજ દ્વારા કરાયેલી રજૂઆતનો પડઘો પડયો લગ્ન નોંધણી હવે વધુ અઘરી : માતા - પિતાની સંમતિ - દસ્તાવેજો રજૂ કરવા પડશે

હવે લગ્નનોંધણી માટે વર - વધુએ રૂબરૂ હાજર થવુ પડશે : માતા - પિતાને લગ્ન અંગેની જાણ કરી છે તેવું ડેકલેરેશન આપવું ફરજીયાત : મોબાઈલ સહિતની માહિતી આપવી પડશે લગ્ન નોંધણી કરનાર અધિકારી વર- વધૂના માતા પિતાને જાણ કરશેઃ 30 દિવસમાં પ્રક્રિયા અંગે વાંધા સુચનો મંગાવીને આખરી નિયમો જાહેર થશે

 

ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ભાગીને કે પરિવારની સંમતિ વગર લગ્ન કરવા અને તેની નોંધણી કરાવવી વધુ મુશ્કેલ બનશે. આજે વિધાનસભામાં રજુ કરાયેલા સુચીત નવી નોંધણી પ્રક્રિયામાં અનેક જોગવાઈ કડક બનાવવામાં આવી છે.

ગુજરાતમાં લવ જેહાદ તથા તે રીતે થતા ભાગેડુ લગ્નમાં વિવિધ સમાજમાં સર્જાઈ રહેલા લગ્ન વિષયક અને સામાજીક સમશ્યાઓ સામે સરકાર સમક્ષ આવેલી રજૂઆત બાદ આજે વિધાનસભામાં ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ રૂલ-લગ્ન નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરવા સરકારે નિર્ણય લીધો હોવાની જાહેરાત કરવામાં આવ્યો છે.

જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ જાહેર અગત્યની બાબતો અંગે નિવેદનમાં આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકારે કરવા ધારેલા આ પ્રસ્તાવિક સુધારા અંગે વાંધા સુચનો આવશે અને 30 દિવસમાં આવેલા વાંધા સુચનો પર વિચારણા કરીને સરકાર નિર્ણય લેશે.

સરકાર દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી જાહેરાત મુજબ સુચીત નવી નોંધણી પધ્ધતિમાં પ્રથમ તબકકે નોંધણી અરજી બન્ને પક્ષકારો એટલે કે મહિલા અને પુરૂષએ બે સાક્ષીઓની સહીથી અરજી કરવાની રહેશે અને તેને નોટરાઈઝ કરીને આપવી પડશે. આ સાથે બન્ને દ્વારા રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવીંગ લાયસન્સ કે પાસપાર્ટ કે ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.

બીજા તબકકામાં સરકાર દ્વારા લગ્ન નોંધણી અંગે સતા ધરાવતા આસી. રજીસ્ટ્રાર સમક્ષ આ નોંધણી અરજી રજુ થયા બાદ તેની સાથે વધારાના દસ્તાવેજો પણ જોડવાના રહેશે જેમાં વર વધુ બનેલા અને જે સાક્ષીઓ છે તેમના આધારકાર્ડ આપવાના રહેશે. આ ઉપરાંત વર વધુ બનેલા બન્નેનું જન્મનું પ્રમાણપત્ર કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ પણ આપવાનું રહેશે અને તેની સાથે લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રીકા રજુ કરવાની રહેશે.

ઉપરાંત વર વધુ બનેલા બન્નેના અલગ અલગ અલગ અલગ પાસપોર્ટ સાઈઝના ફોટા આપવાના રહેશે અને અરજીમાં તેઓએ માતા પિતાને આ લગ્ન બાબતે જાણ કરી છે તે અંગેનું એક સોગંદનામુ (ડેકલેરેશન) પણ જોડવાનુ રહેશે.

આ ઉપરાંત અરજીમાં માતા પિતાના આધારકાર્ડ, પિતાનું પુરૂ નામ તેનું હાલનું અને કાયમી સરનામુ, પિતાના મોબાઈલ નંબર, માતાનું નામ અને સરનામુ અને તેનો મોબાઈલ નંબર પણ અલગથી આપવાના રહેશે.

એક વખત અરજી દાખલ કર્યા બાદ આસી.રજીસ્ટ્રારને ખાત્રી અને સંતોષ થયે 10 દિવસમાં વ્યવહારૂ રીતે શકય બને તે રીતે ઈલેકટ્રોનીક કે ફીઝીકલી રીતે માતા પિતાને આ લગ્ન અંગે જાણ કરાશે.

આસી. રજીસ્ટ્રાર દ્વારા સંભવિત જીલ્લા કે તાલુકાના રજીસ્ટ્રારને તે મોકલી અપાશે અને પેટા નિયમ-1થી 7માં દર્શાવ્યા મુજબની જરૂરીયાતો પૂર્ણ થઈ એ 30 દિવસમાં લગ્ન નોંધણી કરાશે. જયારે અંતિમ તબકકામાં તમામ માહિતી સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઓનલાઈન પોર્ટલ ઉપર મુકવામાં આવશે.

સીરીયલ નંબર, પેઈઝ નંબર, વોલ્યુમ સહિતની માહિતી મુકાશે ઉપરોકત કાર્યવાહી પૂર્ણ થયેથી રજીસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણ પત્ર ફોર્મ-2 મુજબ તૈયાર કરાશે અને તે પોસ્ટ કે વ્યકિતગત રીતે જે તે સંબંધીતને પહોંચાડવામાં આવશે.

વિધાનસભામાં 

નાયબ મુખ્યમંત્રીએ રજુ કરાયેલા આ પ્રસ્તાવ અંગે 30 દિવસમાં વાંધા અરજીઓ આવ્યા બાદ અંતિમ નિયમો પ્રસિધ્ધ થશે.

 

પાટીદાર સહિત સમાજના અગ્રણીઓ વિધાનસભામાં હાજર રહ્યા 

 

આજે ગુજરાત વિધાનભામાં લગ્ન સુધારા વિધેયક ગૃહ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીએ રજુ કર્યું છે અને તે સમયે અગાઉ સરકાર સમક્ષ આ અંગે અનેક વખત રજુઆત કરનાર પાટીદાર સમાજના વિવિધ અગ્રણીઓ આજે વિધાનસભામાં પ્રેક્ષક ગેલેરીમાં તેમની માંગણી સ્વીકારાઈ રહી છે તેના સાક્ષી બનવા માટે પહોંચ્યા છે.

એટલું જ નહીં એક વખત વિધેયક પસાર થયા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્નેને મળીને સરકારે જે રીતે હકારાત્મક વલણ અપનાવ્યું છે તે બદલ તેમનો આભાર પણ માનશે.