જસદણમાં વેપારીએ પૂર્વ ભાગીદારની બહેનની પજવણી કરી અડપલાં કર્યા યુવતી તાબે નહીં થતા ભાઈ બહેનને મારી નાખવાની ધમકી આપી
ચાર વર્ષ પૂર્વે કોટડાપીઠાના શખ્સે યુવતીને ફોન મેસેજ કરવાનું શરૂ કર્યું તું ઘરમાં ઘુસી બળજબરીપૂર્વક શારીરિક સંબંધની માંગણી કરતો પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી
જસદણના વડલા વાડી વિસ્તારમાં રહેતી યુવતી પર ભાઈના ભાગીદારે નજર બગાડી શારીરિક કરી અડપલા કરી જાતીય સતામણી કર્યાનો બનાવ સામે આવ્યો છે. હવસખોરની તાબે નહીં થતા તેણે યુવતીને ગાળો ભાંડી તેણી અને તેના ભાઈને - જાનથી મારી નાખવાની ધમકી આપતા જસદણ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જસદણના વડલાવાડી વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય યુવતીએ આરોપી તરીકે ઘનશ્યામ કાંતિ રાદડિયા (રહે. કોટડાપીઠા, બાબરા, અમરેલી) નું નામ આપતા જસદણ પોલીસે બીએનએસની કલમ ૭૪, ૭૫(૨), ૩૫૧(૩) અને ૩૫૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી બનાવ અંગે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘનશ્યામ રાદડિયા ચાર વર્ષ પૂર્વે તેણીના ભાઈ સાથે જસદણમાં કરિયાણાની દુકાન ભાગીદારીથી ચલાવતો હતો. જેથી તેનો ઘરે આવરો જાવરો રહેતો હોય તેણી ઘનશ્યામ રાદડિયાના સંપર્કમાં આવી હતી. ઉપરાંત આરોપી કૌટુંબિક સંબંધી હોય તેની સાથે વાતચીત થતી હતી. બાદમાં ધંધામાં મેળ નહિ આવતા આરોપી અને ફરિયાદીના ભાઈએ ભાગીદારી છૂટી કરી નાખી હતી. દરમિયાન ઘનશ્યામે યુવતી પર નજર બગાડી છેલ્લા બે વર્ષથી ફોન અને મેસેજ કરી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. હવસખોર અવાર નવાર ફોન અને મેસેજમાં અભદ્ર વાતો કરતો હતો જેથી યુવતીએ ફોન ઉપડવાનું બંધ કરી દીધું હતું પણ તેમ છતાં ઘનશ્યામે સતત ફોન અને મેસેજ કરવાનું ચાલુ રાખતા યુવતીએ ઘનશ્યામ રાદડિયાનો નંબર બ્લોક કરી દીધો હતો વધુમાં યુવતીએ ઉમેર્યું કે, તેણી જયારે ઘરે એકલી હોય ત્યારે ઘનશ્યામ રાદડિયા ઘરે ધસી આવી ફરિયાદીની આબરૂ લેવાના ઇરાદે તેના ઉપર જાતીય હુમલો કરી ગુનાહિત
બળ વાપરી શારીરિક અડપલા કરતો હતો. ઘનશ્યામ અવારનવાર યુવતી પાસે શારીરિક સંબંધની માંગણી કરતો હતો પરંતુ યુવતીએ હવસખોરની તાબે નહીં થતા તેણે યુવતીને બેફામ ગાળો ભાંડી હતી. બાદમાં ઘનશ્યામે યુવતીને ચાર-પાંચ ફડાકા પણ ઝીંકી દીધા હતા.ત્યારબાદ તાજેતરમાં યુવતી પ્રસંગમાં સુરત ખાતે ગઈ હતી ત્યારે ઘનશ્યામે અલગ અલગ નંબર પરથી ફોન કરી યુવતીની પજવણી કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી પરંતુ ફરિયાદીએ ના પાડી દેતાં ઉશ્કેરાયેલા હવસખોરે યુવતી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતાં અંતે તેણીએ જસદણ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ હવસખોર આરોપીની -શોધખોળ શરૂ કરી છે.