error: This Content is protected !!

જસદણના બળધોઇ ખાતે આરોગ્ય કેન્દ્ર અને કોઝવેનું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગામલોકોને અનુરોધ

ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઇ ગામ ખાતે ગ્રામીણ જનતાની સુખાકારીમાં વધારો કરતા બે વિકાસ કાર્યોનું રીબીન કટ કરીને લોકાર્પણ કરાયું હતું. જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનપર હેઠળ આવતા પેટા આરોગ્ય કેન્દ્ર, બળધોઇનું અંદાજે ૨૭ લાખ રૂ.ના ખર્ચે નિર્માણ કરાયું છે. જેમાં જનરલ ઓ.પી.ડી., બે બેડ અને લેબોરેટરી જેવી પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેનો સીધો લાભ દર્દીઓને મળી રહેશે. આ સાથે જ ગામમાં ૧૧.૬૭ લાખ રૂ.ના ખર્ચે નવનિર્મિત કોઝવેનું પણ લોકાર્પણ કરાયું હતું, જે તળાવ પાસે થતા રસ્તાનું ધોવાણ અટકાવશે અને ચોમાસા દરમિયાન વાહન વ્યવહારની સુવિધામાં વધારો કરશે. મંત્રી બાવળીયા એ પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે તેમ જણાવી જસદણ-વિંછીયા પંથકની ઝાંખી કરાવી હતી. તેમજ મંત્રી કુંવરજીભાઈ એ ગામલોકો સાથે સંવાદ સાધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક આગેવાનોએ પણ બળધોઇ ગામને મળેલી આ નવી સુવિધાઓ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામોમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી એ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સરપંચો સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા