જસદણના ભાડલામાં મંત્રી હસ્તે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા પશુ દવાખાનાનું ભૂમિપુજન રાજ્ય સરકાર લોકોની દરકાર સાથે અબોલ જીવોની પણ ચિંતા કરે છે કુંવરજીભાઈ બાવળીયા
જસદણ તાલુકાના ભાડલા ગામ ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આશરે રૂ. ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા પશુ દવાખાનાના નવા મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પશુ દવાખાનામાં લેબોરટરી, કમ્પ્યુટર રૂમ, મેડીસીન રૂમ, ઓપરેશન રૂમ, સ્ટોર રૂમ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જેમ લોકોની દરકાર કરે છે, એમ અબોલ જીવોની પણ ચિંતા કરે છે. ગુજરાત સરકાર પશુઓને કૃત્રિમ બીજદાન થકી વધુ દૂધ આપતી અને સુધારેલી ગુણવત્તાયુક્ત ઓલાદો જન્મે, તે માટે પ્રયત્નશીલ છે. સાણથલી, ભડલી, છાસિયા, ભાડલામાં પશુ દવાખાના મંજૂર થયા છે. ભાડલા ગામમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, આગામી દિવસમાં બસ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થશે. તેમજ સાણથલી, ભડલી, વિંછીયા, કનેસરા ઝોનમાં મોટાભાગે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડાયું છે વધુમાં ઉમેર્યું હતું કે આપણે ત્યાં કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળે છે. આથી, સરકારી યોજનાઓની જાણકારી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે, તેવા પ્રયત્નો કરવા ગામલોકોને અનુરોધ છે. આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ એ સંબંધિત અધિકારીઓને પ્રગતિ હેઠળના કાર્ય સત્વરે પૂર્ણ કરવા, સમયસર ફોલોઅપ લેવા અને ગુણવત્તાયુક્ત કાર્ય કરવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં અધિક મદદનીશ ઇજનેર તેજસભાઈ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી અગ્રણી ડો ચિરાગ કાકડીયા અગ્રણી રવજીભાઈ સરવૈયા મુકેશભાઈ મેર મામલતદાર મહેશભાઈ બલિયા, તાલુકા વિકાસ અધિકારી ટી. સી. તિથવાણી, પશુ ચિકિત્સા અધિકારી, જસદણ ડો. એન. ડી. કાગડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
જસદણ તાલુકામાં પશુપાલકોને સરકારી સહાય
જસદણ તાલુકામાં ૬૧ હજારથી વધુ ગાય અને ૩૫ હજારથી વધુ ભેંસ મળીને કુલ ૯૭ હજારથી વધુ પશુઓ છે. ભાડલા ગામમાં હાલ ૦૨ હજારથી વધુ ગાય તથા ૦૧ હજારથી વધુ ગાય એમ કુલ ૩૫૦૦થી વધુ પશુઓ છે. જસદણ તાલુકામાં હાલ કુલ ૦૭ પશુ દવાખાના તથા ૦૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો આવેલા છે. જસદણ તાલુકામાં વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન પશુપાલકોને વિવિધ યોજનાકીય લાભો અપાય છે. જેમાં વિયાણ બાદ ખાણદાણ યોજનાના ૨૭૦ લાભાર્થીઓ, ચાફકટર સહાયના ૩૫ લાભાર્થીઓ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી વાછરડી સહાયના ૪૭ લાભાર્થીઓ અને જનરલ બકરાં એકમનો ૦૩ પશુપાલકોને લાભ અપાય છે.