મહિલાઓની સંકટ સમયની સખી ‘૧૮૧ અભયમ’ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ રાજકોટ જિલ્લામાં ૧.૩૧ લાખથી વધુ મહિલાઓને મળ્યું "અભયમ"નું સુરક્ષા કવચ
૧૮૧ મોબાઈલ એપના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓને હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે
સાહેબ, અહીં એક મહિલા સતત રડે છે.. સાહેબ, આ સ્થળે એક મહિલા આપઘાત કરવા આવી છે, જલદીથી આવો .. મારા પતિ મને રોજ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.. મને મદદ કરો.... ૧૮૧ નંબર પર રોજબરોજ આવા અનેક કોલ આવે છે. ફોન કરનારને ભરોસો છે કે કે જરૂરિયાતમંદ મહિલાને ચોક્કસ મદદ મળશે જ રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત છે તેવું અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. રાજ્ય સરકાર દ્વારા અમલી મહિલાઓ માટે વરદાનરૂપ એવી ‘૧૮૧ અભયમ’ સેવાને ૮મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રોજ ૧૨ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આવો જાણીએ તેની કામગીરી અને સિદ્ધીઓ વિશે રાજકોટ ૧૮૧ના કોઓર્ડીનેટર તુષાર બાવરાએ માહિતી આપતા જણાવ્યું છે કે, મહિલાઓને સમય મર્યાદામાં મદદરૂપ બનવા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કુલ પાંચ ૧૮૧ રેસ્ક્યુ વાન ટીમ કાર્યરત છે. જેમાંથી રાજકોટ શહેર ખાતે 3 અને રાજકોટ ગ્રામ્યમાં ૨ રેસ્ક્યુ વાન કાર્યરત છે. ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન ૧૮૧ - ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ ૧,૩૧,૪૦૪ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, માર્ગદર્શન અને બચાવની મદદ પૂરી પાડવામાં આવી છે ૧૮૧ ‘અભયમ’એ અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે, હેલ્પલાઇન શરૂ થઈ ત્યારથી લઈને આજસુધીમાં ૧૮૧ અભયમ રેસ્ક્યુ વાન તાકીદની સ્થિતિમાં ઘટના સ્થળ ઉપર જઈને તેના કાઉન્સિલર સહિતની ટીમે ૩૦,૨૧૨ જેટલી મહિલાઓને મદદ પૂરી પાડી છે જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજકોટ જિલ્લામાં કુલ ૨૮૧૩ જેટલા કિસ્સાઓમાં મહિલાઓને ઘટના સ્થળે મદદ પૂરી પાડી છે. ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા ૧,૯૧૭ જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં સફળતા મળી છે. જયારે ૮૩૪ જેટલા કિસ્સાઓમાં ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ઓ.એસ.સી. વગેરે સંસ્થાઓ સુધી લઇ જઈને ન્યાય અપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ઘરવિહોણા કે અજાણ્યા મળી આવેલા હોય તેવી પીડિતાઓને આશ્રયગૃહમાં આશરો અપાવ્યો છે. ઘણા કિસ્સાઓમાં ભૂલા પડેલા કે વૃદ્ધ અવસ્થાના કારણે ઘરનું સરનામું ભૂલી ગયા હોય તેવા કિસ્સાઓમાં ૧૮૧ ટીમના કુશળ કાઉન્સિલિંગ અને સુજબુજથી તેઓના પરિવાર સુધી પહોંચાડવાની ઉમદા કામગીરી કરવામાં આવી હોવાનું તુષારભાઈએ જણાવ્યું છે.
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા '૧૮૧ મોબાઈલ એપ'માં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ થકી મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ મહિલાઓનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચી જાય છે. આમ, આધુનિક ટેકનોલોજીના સથવારે ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે સલામતી પણ અનુભવે છે.