જસદણના ભાડલા પંથકના લોકો હવે વ્યાજખોરીનો ભોગ નહિ બને ભાડલા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન
વ્યાજખોરીમાં ઘર, જમીન, વાહન તેમજ અન્ય મિલ્કત ગુમાવી લોકો આત્મહત્યા કરી જીવન પણ ટુંકાવી દેવાના ગંભીર બનાવો સામે આવતા પોલીસ મદદે આવી
પોલીસ પ્રજાની મિત્ર સૂત્ર સાર્થક થયું હોય તેમ ભાડલા પંથકના લોકો હવે વ્યાજખોરીનો ભોગ નહિ બને કેમ કે, ભાડલા પોલીસે લોન મેળાનું આયોજન કરી સરાહનીય કામગીરી કરી હતી.
એસપી રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાય વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં હાલના સમયમાં બાળકોના શિક્ષણ, ખેતપેદાશ નુકશાન, ઘર ખર્ચ તેમજ અન્ય આર્થિક
જરૂરિયાતને લીધે સામાન્ય જરૂરિયાતમંદ લોકો ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધા કરતા લોકો પાસેથી ઉંચા વ્યાજ દરે રૂપિયા મેળવી વ્યાજખોરીનો ધંધા કરતા લોકોના શિકાર બને છે તેમજ આ આર્થિક સંકડામણમાંથી બહાર નીકળવાને બદલે વધુને વધુ ફસાતા જાય છે જેમાં પોતાના ઘર, જમીન, વાહન તેમજ અન્ય મિલ્કત ગુમાવે છે અને ઘણીવાર આત્મહત્યા કરી જીવન પણ ટુંકાવી દેવાના ગંભીર બનાવો પણ બને છે.જેથી આવા ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો કરતા શખ્સો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ જરૂરિયાતમંદ સામાન્ય લોકોને આવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા બચાવી શકાય અને આર્થિક સહાય કરી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી લોન મળી શકે તે સારૂ પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનુ આયોજન કરવા જણાવેલ હોય જે અન્વયે જસદણ ડિવિઝનના એએસપી ડો. નવીન ચક્રવતી રેપુડી માર્ગદર્શન હેઠળ ભાડલા પીઆઈ કે.વી.પરમાર દ્વારા ગઈકાલે ભાડલા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનુ આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના આરડીસી બેંક ભાડલા, ભંડારીયા, એસબીઆઈ બેંક ભાડલા તેમજ યુનિયન બેંક કમળાપુરના અધિકારી-કર્મચારીઓ હાજર રહેલ તેમજ અલગ_ અલગ ગામોના સરપંચ, આગેવાનો સહિત. આશરે ૧૦૦ જેટલા સામાન્ય નાગરીકો હાજર રહેલ હતા. કાર્યક્રમ દરમિયાન બેંકના અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારની બેંક લોન યોજનાઓ, લોન મેળવવાની પ્રક્રિયા તથા જરૂરી દસ્તાવેજો અંગે વિગતવાર માહિતી આપી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકોમાંથી આશરે ૧૫ જેટલા જરૂરિયાતમંદ લોકોએ તાત્કાલિક લોન માટે અરજી કરી હતી. ઉપરાંત અન્ય જરૂરિયાતમંદ લોકોને સંબંધિત બેંકમાં રૂબરૂ જઈ અરજી કરવાની પ્રક્રિયા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ લોન મેળા દ્વારા લોકોમાં બેંકિંગ સેવાઓ અંગે જાગૃતિ વધે તેમજ વ્યાજખોરોના ચુંગલમાંથી બચીને કાયદેસર રીતે આર્થિક સહાય પ્રાપ્ત કરી શકે તેવો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ ગેરકાયદેસર રીતે વ્યાજખોરીનો ધંધો કરતા શખ્સો વિશે માહિતી મળ્યે તાત્કાલિક ભાડલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિગેરે જરૂરી માહિતી આપવામાં આવેલ હતી.