error: This Content is protected !!

નાગરિકોને ગૅસનૉ પૂરતો જથ્થો મળે તે હેતુથી LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખવા આદેશ PNG ગેસ ધારકો માટે નવા LPG કનેક્શન પર પ્રતિબંધ

જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેર તથા જિલ્લાના નાગરિકોને ઘરેલુ ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં GSPC(ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) અને ઘરેલુ ગેસનુ વિતરણ કરતી કંપનીના અધિકારીઓ સામેલ થયા હતા. કેન્દ્ર સરકારશ્રી દ્વારા તાજેતરમાં તરલીકૃત પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારા આદેશ, ૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને રાજ્ય સરકાર અમલી બનાવાયેલા આ સુધારા આદેશની જાણકારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અજય ઝાપડાએ આ બેઠકમાં આપી હતી.જે મુજબ રાજ્યના નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે, બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. અથવા સરકારી તેલ કંપનીઓ કે તેમના વિતરકો પાસેથી રીફીલ મેળવી શકશે નહી.PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે પીએનજી ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં.PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.વધુમાં, જિલ્લામાં LPGનો કોઇપણ પ્રકારનો બિન જરૂરી સંગ્રહ(સ્ટોક) તથા કાળાબજારી ન થાય, ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે અત્રેથી ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સુચના મુજબ જિલ્લામાં અત્યાર સુધી હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા વગેરે જગ્યાઓ પર આકસ્મિક તપાસણી કરી અંદાજીત ૧૫૦ જેટલી ઘરેલું LPGની બોટલ સીઝ કરવામાં આવેલ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગર દ્વારા અપાતી વખતોવખતની સૂચનાઓ મુજબ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ તથા તેમના ગોડાઉન ખાતે ગેસની બોટલ નિયમાનુસાર આપવામાં આવે છે કે કેમ? અને કોઇપણ પ્રકારે બિન જરૂરી સંગ્રહ કે કાળાબજાર ન થાય તે રીતની સુચારુ વ્યવસ્થા માટે દરેક ગેસ એજન્સી તથા ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીના હુકમ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અત્રેથી તમામ OMCના અધિકારીશ્રી તથા PNGના અધિકારીશ્રી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમિક્ષા કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આ માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.