રાજકોટ જિલ્લાના જસદણ સહિત શહેરોમાં યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલમાં લોકોએ ૧૩ લાખથી વધુની ખરીદી કરી હસ્તકલાથી લઈને અવનવી વસ્તુઓનું વેચાણ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના ગુજરાત શહેરી આજીવિકા મિશન અંતર્ગત રાજ્યભરમાં ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા સ્થાનિક કારીગરો, શેરી ફેરિયાઓ, ખાણીપીણીના વ્યવસાયિકો અને સ્વસહાય જૂથો માટે આર્થિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશ્નર શ્રી મહેશ જાનીના માર્ગદર્શન હેઠળ આગામી ૧૮ માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લાની તમામ ૦૬ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ અંગે કો-ઓર્ડીનેટર શ્રી ભૂમિબેન મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા જીમખાના ગ્રાઉન્ડ ખાતે ૧૫ માર્ચ સુધી આયોજિત સ્વદેશી મેળાની અત્યાર સુધીમાં ૫૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી અને કુલ રૂ. ૦૬ લાખ ૫૦ હજારથી વધુનું વેચાણ થયું હતું. તેવી જ રીતે, ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ખાતે ૧૪ માર્ચ સુધી યોજાયેલા મેળામાં ૦૩ હજારથી વધુ મુલાકાતીઓએ કુલ રૂ. ૦૫ લાખથી વધુની ખરીદી કરી હતી, જ્યારે જસદણ નગરપાલિકામાં ૧૭ માર્ચ સુધી આયોજિત મેળામાં સ્ટોલધારકોએ ૦૨ હજારથી વધુ મુલાકાતીઓને કુલ રૂ. ૧.૩૦ લાખથી વધુનું વેચાણ કર્યું હતું.અન્ય વિસ્તારોમાં પણ શોપિંગ ફેસ્ટિવલ પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભાયાવદર નગરપાલિકા દ્વારા ૧૮ માર્ચ સુધી આયોજિત મેળામાં અત્યાર સુધીમાં ૮૨૦ મુલાકાતીઓએ કુલ રૂ. ૩૦ હજારથી વધુ રકમની વસ્તુઓની ખરીદી કરી છે, જ્યારે ગોંડલ અને ધોરાજીમાં પણ કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ આપીને સ્વદેશી મેળાનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન થયું છે. આમ, તમામ ૦૬ મેળાઓમાં ૧૧,૦૦૦થી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જેના પરિણામે રૂ. ૧૩ લાખથી વધુની ખરીદી કરીને નાગરિકોએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ મેળાઓમાં કુર્તી, ઓઢણી, શાલ, હેન્ડીક્રાફ્ટ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક મસાલા અને ઘી જેવી વિવિધતાસભર ચીજોનું વેચાણ થઈ રહ્યું છે. અહીં મનોરંજન અને જનજાગૃતિનો સંગમ પણ જોવા મળે છે. મુલાકાતીઓ માટે સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે જાગૃતિ ફેલાવતા વિશેષ ‘સેલ્ફી પોઇન્ટ’ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઉપરાંત, લોક સંસ્કૃતિને જીવંત રાખવા માટે મેળામાં લોકડાયરા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જે મુલાકાતીઓને મનોરંજન આપે છે.આમ, સ્વદેશી મેળા કારીગરોને સ્ટોલ ફાળવીને તેમને પોતાનાં કલા-કૌશલ્યના પ્રદર્શન અને વેચાણ માટેની તક પૂરી પાડવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્રઢપણે માને છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. ત્યારે ચાલો, આપણે પણ 'સ્વદેશી અપનાવીએ, પરિશ્રમને અજવાળીએ.'