રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાના કાર્યનું ખાતમુહૂર્ત સૌની યોજના થકી ઘરે ઘરે પીવાના પાણી પહોંચાડ્યા છે મંત્રી કુંવરજીભાઈ
રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામ ખાતે આજ રોજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં સૌની (સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ) યોજના અંતર્ગત રૂ. ૯.૪૯ કરોડના ખર્ચે જળાશયોને નર્મદાના નીરથી ભરવાની કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણીના મોટાભાગના કામો હવે પૂર્ણ થઈ ગયા છે. 'સૌની યોજના' અંતર્ગત અનેક ગામોમાં નર્મદાના નીર પહોંચતા ખેતી અને પશુપાલન વ્યવસાયનો વિકાસ થયો છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્રના ૮૦%થી વધુ વિસ્તારને આ યોજનાનો લાભ મળવા લાગશે, જેને કારણે ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. સૌની યોજના હેઠળ ઘરે-ઘરે નર્મદાના નીર પહોંચ્યા છે અને ધરતીપુત્રોની સુખાકારીમાં વધારો થયો છે. આમ, આગામી દિવસોમાં હજુ પણ પાણીની સુવિધા વધતા સૌરાષ્ટ્રના ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો થશે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને અગ્રણી શાંતિભાઈ ધણુજાએ પ્રાસંગિક ઉદબોધનમાં સૌની યોજનાના લાભ વિશે માહિતી આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ મેરે કર્યું હતું. આ તકે સરપંચ દિપકભાઈ બાવરવા, નાયબ કાર્યપાલક ઇજનેર પ્રશાંતભાઈ ભોજાણી સહિત અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.