જસદણ તાલુકાના ભંડારિયામાં વાડીમા કામ કરતા ખેડૂતનું વીજકરંટથી મોત ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા છતાં બચી ન શક્યા
જસદણ તાલુકાના ભંડારીયા ગામે ખેતીકામ દરમિયાન વીજ કરંટ લાગવાની એક અત્યંત . દુખદ ઘટના સામે આવી હતી. વાડીએ કામ કરી રહેલા ખેડૂત ખોડાભાઈ હરજીભાઈ દેસાઈનું વીજ કરંટ લાગ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા દેસાઈ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ, ભંડારીયા ગામમાં રહેતા ખોડાભાઈ હરજીભાઈ દેસાઈ (ઉમર વર્ષ 60) ગઈકાલે સવારે આશરે 11 વડીએ કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને વીજળીનો જોરદાર આંચકો વીજ કરંટ લાગ્યો હતો. તેમને તાત્કાલિક ગંભીર હાલતમાં
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક ખોડાભાઈ વ્યવસાયે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. પિતાના અચાનક અવસાનથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ બનાવને પગલે સમગ્ર ભંડારીયા ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું. હતું. આ ઘટનાની જાણ થતા જ ભાડલા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.