રાજકોટમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો ભવ્ય પ્રારંભ મંત્રી કુંવરજીભાઈએ પ્રદર્શન નિહાળી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા
૫૦ વિવિધ સ્ટોલ્સ દ્વારા પૌષ્ટિક 'શ્રી અન્ન અને પ્રાકૃતિક પેદાશોનું પ્રદર્શન સહ-વેચાણ રાસાયણિક ખેતી સામે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ તરીકે મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવતો વિશેષ મહોત્સવ
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના આંગણે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાના મવા ચોક ખાતે આવેલા કોર્પોરેશન પ્લોટમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું બે દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મંત્રીએ વિવિધ સ્ટોલ્સનું નિરીક્ષણ કરી ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો અને પ્રદર્શનકારો સાથે સંવાદ સાધી તેમની મહેનતને બિરદાવી અને જણાવ્યું હતું કે
મિલેટ્સ' (શ્રી અન્ન) અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવા મહોત્સવના માધ્યમથી લોકોને શુદ્ધ અને રસાયણમુક્ત આહાર મળી રહે છે, અત્યારના સમયે નાના મોટા રોગોનું પ્રમાણ ખૂબ વધ્યું છે, ત્યારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગને રોકવા અને નાગરિકોને મિલેટ્સનું મહત્વ સમજાવવા મિલેટ્સ મહોત્સવ યોજવામાં આવ્યો છે.
અહીં કુલ ૫૦ જેટલા વિવિધ સ્ટોલ્સ છે. જેમાં પૌષ્ટિકતાથી ભરપૂર એવા બાજરી, જુવાર, રાગી, કોદરી અને કાંગ જેવા ધાન્યો અને તેમાંથી બનેલી વિવિધ પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલ્સ રાજકોટવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ અવસરે અગ્રણી ડૉ. માધવભાઈ દવે, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ સર્વશ્રી મહેશ જાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ અને સમીર ધડુક, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબેન પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ મહોત્સવ આવતીકાલ તારીખ ૨૨ માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.