જસદણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રીરામ નવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
વેશભૂષામાં બાળકો આકર્ષણ બન્યા, સાધુ-સંતોની ઉપસ્થિતિથી ભક્તિમય માહોલ સાથે શહેર શ્રી રામમય બન્યું
જસદણ શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ રામનવમીની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર જસદણ શહેર રામભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. આ શોભાયાત્રાનો પ્રારંભ શહેરના સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાનજી મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી ઘેલા સોમનાથ મંદિરના મહંત પૂજ્ય વિક્રમગીરી બાપુ સહિત સાધુ-સંતો તેમજ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ સહિતના સ્થાનિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રોચ્ચાર અને જય શ્રી રામના નાદ સાથે શરૂ થયેલી આ યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં સૌથી વધુ આકર્ષણ નાના બાળકોએ જમાવ્યું હતું. બાળકો હોંશે-હોંશે વિવિધ કાર્ટૂન પાત્રો અને મિકી માઉસ જેવાવેશ ધારણ કરીને જોડાયા હતા. આ મનોરંજક પાત્રોએ માર્ગ પર ઉભેલા નગરજનો અને અન્ય બાળકોમાં ભારે કુતૂહલ અને આનંદ જગાવ્યો હતો. પરંપરાગત ભક્તિ સાથે આધુનિક બાળકોના ઉત્સાહનો સંગમ આ યાત્રામાં જોવા મળ્યો હતો.
શોભાયાત્રાના રૂટ પર ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને સેવાભાવી સંસ્થાઓ અને નગરજનો દ્વારા ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા, શરબત અને આઈસ્ક્રીમના સ્ટોલ, પુષ્પવર્ષા દ્વારા રામલલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તજનોએ ઠેર-ઠેર ભગવાન શ્રી રામલલાની આરતી ઉતારી હતી અને પુષ્પોથી ભગવાનને વધાવ્યા હતા