જસદણમાં 3 માસ પહેલા નવજાત શિશુને ઝાડીમાં ત્યજી દેવાના કૅસમાં આરોપી હિરેન ઉર્ફે હીરો ગોગન સાવલિયા ની સુરત થી ધરપકડ
મુખ્ય આરોપી હિરેન તથા જન્મ આપનાર નયના ધંધુકિયા સહિત 3ની ધરપકડ પૂછપરછ બાદ કોર્ટના આદેશથી ગોંડલ જેલ હવાલે કરાયા
જસદણના ગંગાભુવન પાસૅ પ્રમુખ પાર્ક સોસાયટીની બાવળની ઝાડીઓમાં માસૂમ નવજાત શિશુને તરછોડી દેવાના ચકચારી મામલે જસદણ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આશરે ત્રણ મહિના પહેલા ગંગાભુવન પાસેની પ્રમુખ પાર્ક સોસાયટીમાં બાવળની કાંટાળી ઝાડીઓમાંથી સ્થાનિક લોકોને કોઈ બાળકનો રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા ત્યાં ખુલ્લી હાલતમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108ની ટીમને જાણ કરી હતી. 108ની ટીમે ભારે જહેમત બાદ કાંટાઓ વચ્ચે ફસાયેલા શિશુને બહાર કાઢ્યું હતું. પ્રાથમિક તપાસમાં બાળક અધૂરા માસે જન્મેલું હોવાનું જણાયું હતું, જેની હાલત અત્યંત નાજુક હોવાથી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન જસદણ પોલીસે શહેરની વિવિધ હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં મુખ્ય આરોપી હિરેન ઉર્ફે હીરો ગોગન સાવલિયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. બીજી તરફ, બાળકને જન્મ આપનાર કિંજલ ધંધુકિયાની પૂછપરછમાં પણ હિરેન સાવલિયાનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું.ઘટના બાદ મુખ્ય આરોપી હિરેન સાવલિયા ધરપકડથી બચવા છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો. જસદણ પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ લંબાવતા આરોપી સુરતમાં હોવાનું જાણવા મળ્યું હતું, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જસદણ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી હિરેન ગોગન સાવલિયા, બાળકને જન્મ આપનાર નયના મનસુખભાઈ ધંધુકિયા અને મદદગારી કરનાર સ્વાતિબેન મનસુખ ધંધુકિયાની ધરપકડ કરી તમામની સઘન પૂછપરછ કર્યા બાદ તેમને જસદણ કોર્ટના આદેશથી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા છે.