error: This Content is protected !!

જસદણમાં ભાગવત કથાનો પ્રારંભ મોટા રામજી મંદિરથી ડુંગરપૂર સુધી ભવ્ય પોથીયાત્રા યોજાઈ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો જોડાયા

જસદણ પંથકમાં ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે, જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ શ્રી ડુંગરપૂર હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભે શહેરના ઐતિહાસિક મોટા રામજી મંદિરથી ડુંગરપૂર સુધી એક વિશાળ અને ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.

આ પોથીયાત્રા જસદણ શહેરના હાર્દ સમાન મોટા રામજી મંદિરથી શરૂ થઈ હતી. શરણાઈના સૂર અને ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં શ્રી ડુંગરપૂર હનુમાનજી મંદિરના મહંત શ્રી હરિહરાનંદગીરી બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ જય શ્રી રામ અને જય હનુમાન ના નાદથી ગુંજી ઉઠ્યો હતો આ ધાર્મિક પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) જસદણ પ્રખંડના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોથીયાત્રા અંગે પ્રતિભાવ આપતા જસદણ પ્રખંડના અધ્યક્ષ ડૉ. મહેશભાઈ તાવિયા અને બજરંગ દળના પ્રમુખ વિજયભાઈ માલવીયાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અને આવા શ્રેષ્ઠ ધાર્મિક કાર્યો માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જસદણ પ્રખંડની ટીમ સદાય તત્પર રહેશે. ધર્મ રક્ષા અને સંસ્કૃતિના જતન માટે અમે કટિબદ્ધ છીએ.

આ મંગલમય પ્રસંગે જસદણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો તેમજ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. ડુંગરપૂર હનુમાનજી મંદિર પહોંચ્યા બાદ પોથીજીની શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપના કરવામાં આવી હતી અને ભાગવત કથાનો મંગલ પ્રારંભ થયો હતો.