error: This Content is protected !!

સામાજિક સમરસતા જાતિગત ભેદભાવ દૂર કરતી રાજ્ય સરકારની રૂ. ૨.૫૦ લાખની આંતરજ્ઞાતિય લગ્ન સહાય 74 લાભાર્થીઓને એક કરોડની સહાય

રૂ. ૧.૫૦ લાખની સહાયથી ઘર વપરાશના જરૂરી સાધનો લીધા, તો રૂ. ૧ લાખનાં પોસ્ટ બચતપત્રથી ભવિષ્ય સુરક્ષિત બન્યું

લાભાર્થી મીનાક્ષીબેન લોહીયા

 

 

 સામાજિક સમરસતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ‘ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના’ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજનાનો લાભ મેળવી રાજકોટના શ્રીમતી મીનાક્ષીબેન લોહીયા અને શ્રી ગોકુલભાઈ ઝાલાવાડિયાએ માત્ર સામાજિક બંધનો તોડ્યા નથી, પરંતુ આર્થિક રીતે પણ મજબૂતી મેળવી છે.

 હું વણકર જ્ઞાતિમાં આવું છું, અને મેં સવર્ણ જ્ઞાતિના પટેલ યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. જેને પ્રોત્સાહિત કરતા રાજ્ય સરકારે અમને રૂ. ૨.૫૦ લાખની સહાય આપી છે, જે અમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે... આ શબ્દો છે શ્રી મીનાક્ષીબેન લોહિયાના. જેઓએ શ્રી ગોકુલભાઈ ઝાલાવાડિયા સાથે વર્ષ ૨૦૨૪માં લગ્ન કર્યા હતાં.

 મીનાક્ષીબેન જણાવે છે કે, મારા મમ્મીને અનુસૂચિત જાતિ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા "ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના" વિશે ખ્યાલ આવતાં તેમણે આ વાત મારા પતિને કરી. ત્યારબાદ શ્રી ગોકુલભાઈએ આ અંગે અનુસૂચિત જાતિ, સમાજ કલ્યાણ વિભાગનો સંપર્ક કરતા વિભાગ દ્વારા તમામ માહિતી પૂરી પાડવામાં આવી તથા તેઓને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 શ્રી ગોકુલભાઈ જણાવે છે કે, આ યોજનાનો લાભ મેળવવા માટે મેં ફોર્મ ભર્યું, તેના થોડા સમયમાં જ રૂ. ૧.૫૦ લાખ મારા ખાતામાં જમા થઈ ગયા હતા. જેમાંથી અમે ઘરનું ફર્નિચર, વોશિંગ મશીન તેમજ અન્ય જરૂરી સામાન ખરીદી શક્યા, વધુમાં સરકારશ્રીએ રૂ. ૧ લાખ પોસ્ટ ઓફિસમાં એન.આઈ.સી. બચતપત્ર સહાય સ્વરૂપે આપી અમારા ભવિષ્યને પણ સુરક્ષિત કર્યું છે. જેના માટે અમે સરકારશ્રીના આભારી છીએ. અનુસૂચિત જાતિ અને સવર્ણ જાતિ વચ્ચેની અસમાનતા દૂર કરી સમરસતા લાવવામાં આ યોજના સાચા અર્થમાં સાર્થક સાબિત થઈ રહી હોવાનું શ્રી ગોકુલભાઈ જણાવે છે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬માં અનુસૂચિત જાતિના ૭૪ લાભાર્થીઓને આ યોજના અન્વયે રૂ. ૧ કરોડ ૬ લાખ ૫૦ હજારની સહાય આપવામાં આવી હોવાનું નાયબ નિયામક શ્રી આનંદબા ખાચરે જણાવ્યું છે.  

 આ યોજના સામાજિક ભેદભાવ દૂર કરી સમરસ સમાજ રચવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. સાથે સાથે આર્થિક રીતે પણ નવદંપતિઓને મજબૂત આધાર પૂરો પાડતી હોવાથી રાજ્ય સરકારની આ પહેલ સાચા અર્થમાં પ્રેરણાદાયી અને સમાજ પરિવર્તનની દિશામાં મહત્વપૂર્ણ બની રહી છે