error: This Content is protected !!

રાજકોટ જિલ્લો ક્ષય નાબૂદીના પંથે ૧૦૦ દિવસની સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ ૩૫૫ ગ્રામ પંચાયતો 'ટી.બી.મુક્ત' જાહેર : સરપંચોનું બહુમાન કરાયું

૨૭૨ ન્યુટ્રીશન કીટના વિતરણ સાથે ૨૧૩ નવા નિક્ષય મિત્રો ટી.બી.મુક્તિના અભિયાનમાં જોડાયા

 ૧.૧૯ લાખ લોકોનું પરીક્ષણ : ૦૫ લોકોને ટી.બી.નું નિદાન થતા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ

 

 

રાજકોટ જિલ્લો કેન્દ્ર સરકારના 'ક્ષયમુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવાના ઉમદા આશય સાથે ક્ષય નાબૂદીના પંથે આગળ વધી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૪ માર્ચના રોજ 'વિશ્વ ક્ષય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા જનભાગીદારીથી રોગના મૂળ સુધી પહોંચીને તેને જડમૂળથી ઉખેડી ફેંકવાના મક્કમ નિર્ધાર સાથે ક્ષય રોગ સામેના જંગને વેગ આપવામાં આવે છે આ ભગીરથ પ્રયાસોના સકારાત્મક પરિણામ સ્વરૂપે રાજકોટ જિલ્લાની કુલ ૫૯૫ ગ્રામ પંચાયતોમાંથી ૩૫૫ ગ્રામ પંચાયતોને વર્ષ ૨૦૨૫ માટે 'ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત' તરીકે જાહેર કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ પડધરી ખાતે આયોજિત 'સરપંચ સંવાદ' કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ અને પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર દ્વારા ટી.બી.મુક્ત પંચાયતોના સરપંચોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે દરેક તાલુકાકક્ષાએ મામલતદાર અને આરોગ્ય અધિકારીઓ દ્વારા સરપંચોનું બહુમાન કરવામાં આવ્યું હતું આરોગ્ય તંત્રની સક્રિયતાને કારણે વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિર અને સરકારી હોસ્પિટલો ખાતે ૫૨૯ સ્ક્રીનિંગ કેમ્પોમાં ૧,૧૯,૨૫૧ લોકોનું પરીક્ષણ કરાયું હતું, જેમાંથી ૭૩૬ શંકાસ્પદ દર્દીઓ શોધ્યા, જે પૈકી ૦૫ લોકોને ટી.બી. હોવાનું નિદાન થતા, તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે. સામાજિક રીતે પણ આ અભિયાનને સહયોગ મળ્યો છે. ૨૧૩ નવા 'નિક્ષય મિત્રો' જોડાયા છે, જેમણે ૨૭૨ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યું હતું, તેમજ રાજકોટ જિલ્લામાં કુલ ૨૪૧ જનભાગીદારીના કાર્યક્રમોમાં ૧૨,૦૧૩ લોકો જોડાયા હતા, જે સમાજની ક્ષય નાબૂદી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. જે. પી. નડ્ડાજીએ નોઈડાથી દેશવ્યાપી ક્ષય નિર્મૂલન અભિયાનને લીલી ઝંડી આપ્યા બાદ રાજકોટ જિલ્લામાં પણ ૧૦૦ દિવસની ઝુંબેશ શરૂ થઈ છે. જે હેઠળ 'Vulnerability Mapping' થકી હાઈરિસ્ક કેટેગરીમાં આવતા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો, ડાયાબિટીસ, કેન્સર, એઈડ્સ જેવી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ, ઈંટ ભઠ્ઠાના મજૂરો અને ઓછો બી.એમ.આઇ. ધરાવતી વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સેન્ટ્રલ ટી.બી. ડિવિઝન દ્વારા રાજકોટ જિલ્લાના ૧૪૨ ગામોને ટી.બી. માટે 'હાઇરિસ્ક' કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે, જ્યાં ૧૪ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોના એક્સ-રે લેવામાં આવશે. તેમજ આધુનિક TRUNAAT અને CBNAAT મશીનો થકી સચોટ નિદાન અને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે.