ઓટીઝમ અવેરનેસ ડે' ની રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી બાળકોને ફન ગેમ તેમજ વાલીઓને ઓટિઝમ અંગે માર્ગદર્શન અપાયું
રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત ડીસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન કેન્દ્ર ખાતે 'ઓટીઝમ અવેરનેસ ડે' ની પૂર્વ સંધ્યાએ કરવામાં આવેલી વિશેષ ઉજવણીમાં સેન્ટરમા થેરાપી માટે આવતા ૪૦ જેટલા બાળકોએ તેમજ તેમના વાલીઓએ હોંશભેર ભાગ લીધો હતો. બાળકોને મ્યુઝિકલ ચેર, અવરોધ પાર કરવાની ગેમ, કલરવાળા પંજા કરીને છાપવાની એક્ટિવિટી, ફુગ્ગા અને દડાનુ રમત, બાળગીત ઉપર ડાન્સ, સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી સહિતની ફન ગેમ અને વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે બાળકોને ડ્રોઈંગ અને કલરિંગ કીટ ગિફ્ટ આપવામાં આવી હતી. વાલીઓને ઓટીઝમના બાળકની સંભાળ કઈ રીતે રાખવી તે માટેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતાં. વાલીઓએ થેરાપિસ્ટને મળી તેમના બાળકો અંગે વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. વાલીઓએ થેરાપીથી થતા ફાયદા અંગે પરામર્શ કર્યો હતો. જયારે બાળકોએ એકબીજાને ઓટિઝમ અવેરનેસ રીબીન પણ પહેરાવી હતી.
સિવિલ અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ અતિથિ તરીકે ઉપસ્થિત રહી સૌ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં બાળકોના વિભાગના ડો. પંકજ બુચ , ડી. આઇ.સી. ના ડો. આરતી, ડો. અમિતાએ ઓટીઝમ વિશે વાલીઓને માહિતગાર કર્યા હતાં. કાર્યક્રમમાં સેન્ટરના પ્રશિક્ષકો, સભ્યો, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરો સહભાગી બન્યા હતાં.