જસદણ પોલીસે ગુનેગારો સામે પાસા નું શસ્ત્ર ઉગામતા અસામાજિક તત્વોમાં ફાફડાટ સાતથી વધુ ગુનામાં સામેલ શખ્સ પાસાના પાંજરે પુરાયો
જસદણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા સાવન મનસુખભાઈ હિરપરા સામે પોલીસે પાસા હેઠળ કડક પગલાં ભરી તેને જેલ હવાલે કર્યો છે. સાવન હિરપરા સામે અગાઉથી જ સાતથી વધુ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હતા, જેને ધ્યાનમાં રાખી જસદણ પોલીસ દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પાસા હેઠળ ધરપકડ કર્યા બાદ આરોપી સાવન હિરપરાને પાલરા ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. રેન્જ આઈજીએ આ તકે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે વિસ્તારમાં કાયદો અને શાંતિનો ભંગ કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં અને અસામાજિક તત્વો સામેની આ લડત સતત જારી રહેશે. પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનારા અને ગંભીર ગુનાઓમાં સામેલ અન્ય વ્યક્તિઓ સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.