error: This Content is protected !!

જસદણ અને વિંછીયામાં ભરવાડ-રબારી સમાજ નૅ આગામી ચૂંટણીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ સાથે જિલ્લા ભાજપ અને કેબિનેટ મંત્રીને રજૂઆત

ભરવાડ રબારી સમાજ એકતા સંગઠન સમિતિ, જસદણ-વિંછીયા દ્વારા શિક્ષણ સેવા સંગઠનના નેજા હેઠળ સમાજના હિત અને રાજકીય ભાગીદારી બાબતે એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગઈકાલે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જસદણ તાલુકા પ્રમુખ કે.બી. રાઠોડે સમાજના અન્ય આગેવાનોને સાથે રાખીને જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને પત્ર પાઠવ્યો હતો. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ભરવાડ અને રબારી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે મજબૂતીથી જોડાયેલો છે. જસદણ વિધાનસભા વિસ્તારમાં ભરવાડ અને રબારી સમાજનું મતદાન ત્રીજા નંબરે અને વિંછીયા તાલુકામાં બીજા નંબરે હોવાથી લોકશાહીમાં સમાજનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. સમાજ દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે જસદણ અને વિંછીયા તાલુકામાંથી એક જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની બેઠકો પર ભરવાડ અને રબારી સમાજને ટિકિટ ફાળવવામાં આવે. આ ઉપરાંત, સંગઠનમાં પણ સમાજની અવગણના ન થાય તે હેતુથી જસદણ અને વિંછીયા તાલુકા પ્રમુખ અથવા મહામંત્રી તરીકે સમાજના અગ્રણીઓની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જિલ્લા સંગઠનમાં પણ સમાજને એક સક્રિય સ્થાન આપવા માટે ભારપૂર્વક વિનંતી કરાઈ છે.

આ રજૂઆત સાથે સંગઠન દ્વારા સંભવિત ઉમેદવારોના નામો પણ સૂચવવામાં આવ્યા છે, જેમાં ભાડલા જિલ્લા પંચાયત માટે નરસીભાઈ મેઘાભાઈ કળોતરા અને વિવિધ તાલુકા પંચાયતો માટે ભરતભાઈ ગોવિંદભાઈ લેલા, લાલાભાઈ કરમાભાઈ ખરાણા, જસાભાઈ શામળાભાઈ આલ, જીલુભાઈ ભગત અને શૈલેષભાઈ માલધારીના નામોનો સમાવેશ થાય છે. તેમજ મહામંત્રી તરીકે વનરાજભાઈ ખીંટ અને રણછોડભાઈ રબારીના નામો સૂચવાયા છે. આ સમગ્ર રજૂઆત જસદણ તાલુકા પ્રમુખ કે.બી. રાઠોડ અને વિંછીયા તાલુકા પ્રમુખ રણછોડભાઈ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે