રાજકોટ જિલ્લામાં મકાન દિવાલો કે જાહેરમાર્ગ ઉપર ચૂંટણી સંદર્ભે સુત્રો કે અન્ય ચિત્રો પ્રદર્શિત કરવા મંજૂરી લૅવી ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ સંદર્ભે ચૂંટણીપંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાનિ, બગાડ અટકાવવા માટે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે કોઇ પણ વ્યકિત, સંસ્થા, ચુંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુકત કરેલ વ્યકિત, સંસ્થા કે પેઢી વગેરેને સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચુંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો ન બગાડવા, તેમજ રાજકીય પક્ષ અથવા ઉમેદવારો પોતાના કાર્યકરનો ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોટાડવા, સુત્રો લખવા અથવા અન્ય કોઇપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પુર્વ પરવાનગી લીધા વિના કોઇપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ રસ્તા વગેરેનો ઉપયોગ ન કરવા કે બગાડવા નહીં તેવો હુકમ ફરમાવેલ છે.જાહેર મકાન એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કે ધોરી માર્ગ, શેરી ગલી, ચારરસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવાતા સાઇન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઇલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ બોર્ડ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલમાં નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ અન્ય નોટીસ સાઇન બોર્ડનો સમાવેશ થાય છે. આ હુકમ તા.૨૮-૦૪-૨૦૨૬ સુધી રાજકોટ જિલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે