આટકોટના વ્યાજખોરી અને લોહીયાળ મારામારીના ગુનામાં બે મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
જસદણ ASP સ્કોડે રાજકોટથી આરોપી સંજય ડાંગરને દબોચ્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પોલીસની કડક કાર્યવાહી
હાલ ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવાની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત જસદણ ASP સ્કોડે આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વ્યાજખોરી અને જાનલેવા હુમલાના ગુનામાં સંડોવાયેલા લાલશાહીના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી આ કેસની પ્રાપ્ત વિગત મુજબ સહ-આરોપી જગદીશભાઈએ સાહેદ જયદીપને માસિક 10% જેવા ઉંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા. સાહેદના પિતાના અવસાન બાદ આરોપીઓ ઉઘરાણી માટે દબાણ કરતા હતા. આ મામલે મધ્યસ્થી કરવા ગયેલા ફરિયાદીને આરોપીઓએ લોખંડના પાઇપ વડે બેરહેમીથી માર માર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને શરીરે મૂઢ ઈજાઓ તથા ડાબા હાથની ત્રણ આંગળીઓમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અંગે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગત તા. 14/02/2026 ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા ગુજરાત નાણાધીરધાર કરનાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો હુમલો કર્યા બાદ ધરપકડ ટાળવા માટે આરોપી સંજયભાઈ અરજણભાઈ ડાંગર ઉ.વ. 40, રહે. હરીનગર, રાજકોટ નાસતો ફરતો હતો. જસદણ મદદનીશ પોલીસ અધીક્ષક (ASP) ડૉ. નવિન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ASP સ્કોડે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે આરોપીને રાજકોટથી શોધી કાઢી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે આટકોટ પોલીસને સોંપવામાં આવ્યો છે