બાળ લગ્ન પ્રતિબંધક નિયમ મુજબ યુવકની ઉંમર 21 અને યુવતી ની 18 નહીં હોય તો તંત્ર અખાત્રીજે બાળ લગ્નો અટકાવશે
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીને સગીર બાળ લગ્ન અંગે રૂબરૂ અથવા ફોન પર જાણ કરી શકાશે
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ સમગ્ર રાજ્યમાં લગ્ન માટે યુવકની ઉંમર ૨૧ વર્ષ અને યુવતીની ઉંમર ૧૮ વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ધારિત ઉંમર પહેલા થતા લગ્ન કાયદાકીય રીતે ગુનો બને છે. આગામી તારીખ ૧૯/૦૪/૨૦૨૬, રવિવારના રોજ ‘અક્ષય તૃતીયા’ (અખાત્રીજ)ના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન સમારંભો યોજાવાની સંભાવના છે. આ તકે વિવિધ સમુદાયોમાં સગીર વયના બાળકોના લગ્ન ન થાય, તે માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને વિશેષ સત્તાઓ સાથે તેમને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જાહેર કરાયા છે. તેઓ બાળ લગ્નો રોકવા માટે જરૂરી તમામ પગલાં લઈ શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈપણ સ્થળે બાળ લગ્ન ન યોજાય અને જનતાને યોગ્ય માર્ગદર્શન તેમજ કાયદાકીય મદદ મળી રહે, તે માટે રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈપણ નાગરિકને બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે અથવા આ અંગે મદદની જરૂર હોય, તો તેઓ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ અથવા કચેરીના ફોન નંબર ૦૨૮૧-૨૪૪૮૫૯૦ અથવા ૨૪૫૮૫૯૦ પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, dsdo-raj@gujarat.gov.in પર ઇમેઇલ દ્વારા પણ જાણ કરી શકાશે. તેમજ લોકો બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.બી.આઈ. બેંકની સામે, રાજકોટ - ૩૬૦૦૦૧ ખાતે આવેલી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરી શકશે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.