આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં ૪૬ વર્ષીય પંડિતભાઈ કુંવરીયાનો આપઘાત
મૃતદેહ પીએમ માટે રાજકોટ ખસેડાયો, સ્પષ્ટ કારણ જાણવા માટે પરિવારજનોની પોલીસ દ્વારા પૂછપરછ
આટકોટમાં જમીન બાબતની માથાકૂટમાં ૪૬ વર્ષીય પંડિતભાઈ કુંવરીયાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આટકોટ પોલીસને જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ માટે રાજકોટ
ખસેડાયો હતો. આપઘાતનું સ્પષ્ટ કારણ જાણવા માટે પરિવારજનોની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી વિગત મુજબ પંડિતભાઈ ગિરધરભાઈ કુંવરિયા ઉંમર વર્ષ ૪૬ રહે આટકોટ તાલુકો જસદણ જીલ્લો રાજકોટ ગઈકાલે પોતાના ઘરે ઝેરી ટીકડા
ખાઈ ગયા હતા. તેમને સારવારમાં ખસેડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા આટકોટ પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાગળ કાર્યવાહી કરીને આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પંડિતભાઈ ને જમીન બાબતે માથાકૂટ ચાલતી હતી અને તેના કારણે આ પગલું ભરી લીધું છે. પંડિતભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા. તેમના મૃત્યુથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.