error: This Content is protected !!

જસદણ ગઢડીયાની સીમમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા મકાનમાંથી રૂ. ૧.૦૪ લાખની મત્તાની ચોરી

પરિવાર ગામમાં માઠા પ્રસંગે ગયો તે દરમિયાન ત્રણ કલાક બંધ રહેલા મકાનમાંથી રોકડ અને દાગીના તસ્કરો ઉઠાવી ગયાં તપાસનો ધમધમાટ

 

રાજકોટ ગ્રામ્યમાં તસ્કરો બેફામ બની એક બાદ ઍક ચોરીને અંજામ આપી રહ્યાં છે. ત્યારે જસદણના ગઢડીયાની સીમમાં વાડીએ રહેતા પરિવારના બપોરના સમયે માત્ર ત્રણ કલાક માટે બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા અને રોકડ સહિંત રૂ.૧.૦૪ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં

આવી છે. બનાવ અંગે જસદણના ગઢડીયા ગામની સીમમાં ટીટોડીયા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા સંતોષભાઈ મોહનભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગામની સીમમાં વાડીએ આવેલા મકાનમાં રહે છે. ગઈ તા.૨૫ ના ગઢડીયા ગામમાં માઠો પ્રસંગ હોય જેથી બપોરના બારેક વાગ્યા આસપાસ તે તથા તેની પત્ની અને દીકરી

ત્રણેય અહીં જવા માટે નીકળ્યા હતા. ત્યારે વાડીએ આવેલા મકાનની લોખંડની ડેલી બંધ કરી તાળું મારી ગયા હતા ત્રણેક વાગ્યે આસપાસ જમીને પરત આવ્યા ત્યારે યુવાનની પત્નીએ ચાવીથી તાળું ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તાળું ખુલતું ન હતું જેથી દાતરડાથી તાળું મચકોડી ખોલ્યું હતું.

બાદમાં ઘરમાં જઈ જોતા થેલામાં રાખેલ સોનાના ઘરેણા ચોરી થઈ ગયાનું માલુમ પડયું હતું. જેમાં સોનાનો ત્રણ તોલાનો હાર, સોનાની દોઢ તોલાની બુટ્ટી, સોનાનો ચેન, ચાંદીનો જુડો તેમજ રોકડ રૂપિયા ૧૨૦૦ સહિત કુલ રૂ. ૧,૦૪,૨૦૦ ની મત્તા ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડયું હતું. જે અંગે યુવાને જસદણ સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે | પોલીસે ગુનો નોંધી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.