error: This Content is protected !!

રાજકોટ જિલ્લામાં હથિયારબંધી ધાર્મિક શોભાયાત્રા નાતાલ તહેવારો રાજકીય પક્ષોના રેલી ધરણાં કાર્યક્રમોનૅ લઈ સ્ફોટક પદાર્થો તલવાર છરી ખંજર ભાલા જેવા શસ્ત્રો સાથે રાખવા પર પ્રતિબંધ

રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં ધાર્મિક શોભાયાત્રા, નાતાલ જેવા વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવો ન બને, તે માટે અધિક જિલ્લા કલેક્ટર શ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત સિવાયના વિસ્તારમાં શસ્ત્રો, તલવાર, ભાલા, ખંજર, છરી સહિતના શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો તેમજ સ્ફોટક પદાર્થ સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેર જગ્યાએ પરવાનાવાળા હથિયારો લઈ જવા, હવામાં ફાયર કરવા, મેળા, ધાર્મિક સરઘસ કે સમુદાયમાં લઈ જવા તેમજ પ્રાઇવેટ સીક્યુરીટી એજન્સીના કમીઓએ ફરજ સમય સિવાય લાયસન્સવાળા હથિયારો લઈ જવા પર પ્રતિબંધ છે. પથ્થરો અને શસ્ત્રો ફેંકવાના સાધનો એકઠા કરવા તથા સરઘસમાં પેટાવેલી મશાલો લઈ જવા તેમજ પુતળા બાળવા-લટકાવવા તથા લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા, જીગ્ઝેક ચપ્પુઓ સાથે રાખવાની મનાઈ છે. ઉપરાંત, સુરૂચિનો ભંગ થતો હોય અથવા રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા, નકલ કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો તૈયાર કરવા અને તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે. 

        ઉલ્લેખનીય છે કે, સરકારી અને અર્ધસરકારી કર્મચારી કે જેને ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફથી જેને પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને હુકમ લાગુ પડશે નહીં. 

 આ આદેશ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર થશે.